🔥 TRENDING West Bengal CM Targets 22 Crore Person... West Bengal: Over ₹1 Crore Seized from... Bihar Vigilance Seizes Rs 10 Lakh Cash... RJD Urges Disqualification of Two Inde... NIA raids eight sites across Bihar, Jh... સુરતમાં ડીંડોલી-ભેસ્તાન મુખ્ય માર્ગ પર...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ધાંગધ્રા નજીક રાજકોટ રેન્જ ટીમની મોટી કાર્યવાહી: ટ્રકમાંથી વિદેશી દારૂની 17,304 બોટલ ઝડપી, રૂપીયા 90.48 લાખનો મુદ્દામાલ જપ્ત

✍️ Reporter: Gilani Asikali 🗓 04 Nov 2026, 11:10 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ચુલી ગામની સીમમાં આશીર્વાદ હોટલ નજીકથી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો, એક આરોપીની ધરપકડ, અન્ય છ આરોપીઓની શોધખોળ શરૂ
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ચુલી ગામની સીમમાં આવેલી આશીર્વાદ હોટલ નજીક રાજકોટ રેન્જની ટીમે બાતમીના આધારે મોટી કાર્યવાહી કરી છે. ચંડીગઢથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને આવતા ટાટા ટ્રક નંબર GJ25U6805 માંથી દારૂની કુલ 17,304 બોટલો સહિત રૂપીયા 90,48,176નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન ટ્રકના ચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આગામી દિવાળી અને નૂતનવર્ષના તહેવારો દરમિયાન લોકો શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવારોની ઉજવણી કરી શકે તે હેતુથી રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય IPS દ્વારા પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એન. મોરી, બી.સી. મિયાત્રા, એસ.પી. ગોહિલ, એ.વાય. ઉધાસ સહિતની ટીમે બાતમીદારો અને ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ હાથ ધરી હતી.
દરમિયાન પોલીસ ટીમને બાતમી મળી હતી કે બહારના રાજ્યમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને એક ટાટા ટ્રક અમદાવાદ-કચ્છ હાઇવે પરથી પસાર થવાનો છે. આ બાતમીના આધારે ચુલી ગામની સીમમાં આશીર્વાદ હોટલ નજીક વોચ ગોઠવી ટ્રકને રોકી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટ્રકમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 17,304 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ.75,41,676 થાય છે.
પોલીસે દારૂ ઉપરાંત ટાટા ટ્રક, મોબાઇલ ફોન, દારૂ છુપાવવા માટે ઉપયોગમાં લેવાયેલી ઘાસના ભૂસાની બોરીઓ તથા ટ્રકને લગતા કાગળો સહિત કુલ રૂ.90,48,176નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં ટ્રકચાલક અબ્બાસ હુસૈનભાઈ હિંગોરા, રહે. ઢેબર, તાલુકો ભાણવડ, જિલ્લો દેવભૂમિ દ્વારકાની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ તપાસમાં ટ્રકના માલિક રાજુ ખીમાભાઈ કોડીયાતર, જુસબ હાજીભાઈ હિંગોરા, પાયલોટિંગ કરતી આર્ટિગા કારનો ચાલક, મોબાઇલ ફોન દ્વારા રૂટનું માર્ગદર્શન આપનાર ઇસમ, દારૂ મંગાવનાર ભોળાભાઈ શામળા તેમજ દારૂ ભરી આપનાર અજાણ્યા ઇસમ સહિત અન્ય લોકોની સંડોવણી સામે આવી છે. આ તમામ ફરાર આરોપીઓને ઝડપી પાડવા તપાસ તેજ કરવામાં આવી છે.
આ સમગ્ર મામલે ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટ રેન્જની ટીમની આ સફળ કામગીરીથી દારૂના ગેરકાયદેસર નેટવર્કમાં સંડોવાયેલા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.
રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App