🔥 TRENDING Delhi-NCR Enforces Grap 3 Curbs Amid P... Haryana Grants 3% Dearness Allowance R... Haryana CM Invites Rahul Gandhi to Deb... Haryana Raises Dearness Allowance & Re... Chhattisgarh Launches 11 New Paramedic... Typhoon Murassu Triggers Rain Alert in...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના કરણપુર ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી દિનેશભાઈ પટેલના પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત લીધી

✍️ Reporter: Patel Arvindbhai Nathabhai 🗓 06 Nov 2026, 07:59 PM 👁 80
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ બાલાસિનોર તાલુકાના કરણપુર ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી દિનેશભાઈ મનોહરભાઈ પટેલના પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત લીધી હતી. ફાર્મ ખાતે પહોંચી રાજ્યપાલશ્રીએ સૌપ્રથમ સ્વયં ગાય દોહી ઉપસ્થિત ખેડૂતોને દેશી ગાયનું પાલન કરવા અને ગાય આધારિત ખેતી પદ્ધતિ અપનાવવા પર ખાસ ભાર મૂક્યો હતો. ત્યારબાદ તેમણે ખેતરમાં હળ ચલાવી જમીન અને પાકની પરિસ્થિતિ નિહાળી હતી.

ફાર્મની મુલાકાત બાદ સ્થાનિક ખેડૂતો સાથે સંવાદ સાધતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, જમીનમાં જ્યાં સુધી ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધશે નહીં ત્યાં સુધી કૃષિ ઉત્પાદન કે ગુણવત્તામાં ક્યારેય વધારો થઈ શકે નહીં. યુરિયા, ડીએપી જેવા રાસાયણિક ખાતરો અને જંતુનાશકોથી જમીનનો ઓર્ગેનિક કાર્બન ઘટે છે અને ધરતી માતા ધીમે-ધીમે બંજર બનતી જાય છે. તેમણે સ્પષ્ટ કર્યું કે વિશ્વનો કોઈ પણ કૃષિ વૈજ્ઞાનિક એવું સાબિત કરી શકતો નથી કે રાસાયણિક ખાતરોથી જમીન સુધરે છે. રાસાયણિક ખેતીથી ઉત્પન્ન થતો ઝેરી આહાર આજે માનવજાતમાં કેન્સર, હાર્ટ એટેક અને ડાયાબિટીસ જેવા ગંભીર રોગોનું કારણ બની રહ્યો છે, જેમાંથી બચવાનો એકમાત્ર ઉપાય પ્રાકૃતિક ખેતી છે.

રાજ્યપાલશ્રીએ દેશી ગાયના પાલનને પ્રાકૃતિક ખેતીનો મૂળ આધાર ગણાવતા જણાવ્યું હતું કે, ગાય અને ખેતી એકબીજાના પૂરક છે. ગૌવંશના ગોબર અને ગોમૂત્રમાંથી બનતા ઘનજીવામૃત, જીવામૃત અને બીજામૃત જમીનને પુનર્જીવિત કરે છે. તેમણે ખેડૂતોને ઉત્તમ ગુણવત્તાવાળી દેશી ગાયોનું સંવર્ધન કરવા તેમજ સેક્સ સોર્ટેડ સીમન જેવી આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવી પશુધનની ગુણવત્તા સુધારવા આહવાન કર્યું હતું, જેથી ખેડૂતોને દૂધ થકી નિયમિત આવક મળી રહે.

કૃષિ અને આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ-કર્મચારીઓને રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા તૈયાર કરાયેલા ક્લસ્ટર અને માસ્ટર ટ્રેનર્સ માત્ર કાગળ પર ન રહેતા ગામડાઓમાં સીધા ખેડૂતોના ખેતર સુધી પહોંચે તે અનિવાર્ય છે. જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ અને વાવેતર વિસ્તાર વધારવા માટે અધિકારીઓએ મિશન મોડમાં અને સંવેદનાપૂર્વક કામ કરવું પડશે. ઉત્તમ પરિણામ આપતા મોડેલ ફાર્મ્સની અન્ય ખેડૂતોને મુલાકાત કરાવી વધુમાં વધુ ધરતીપુત્રો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તેવા નક્કર પ્રયાસો હાથ ધરવા તેમણે જણાવ્યું હતું.

આ મુલાકાત વેળાએ બાલાસિનોર ધારાસભ્યશ્રી માનસિંહ ચૌહાણ, જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિધાર્થ, પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન, આત્મા પ્રોજેક્ટની ટીમ તેમજ આસપાસના ગામોમાંથી ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
***
📲Get App