🔥 TRENDING સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરમાં રોડ પર... Odisha Faces Fresh Cyclone Threat, Wea... Pulivendula Journalists Attacked Durin... India Today crew attacked in Pulivendu... Chainsaw Attack on Andhra School Linke... Two Youths Killed in Bus-Bike Collisio...
01 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

એકતાનગરમાં ‘એકતા પ્રકાશ પર્વ-૨૦૨૬’ની ભવ્યતા નિહાળી વડાપ્રધાન નરેન્દ્ર મોદી

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 30 Oct 2026, 10:46 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે ઉજવાઈ રહેલા રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એકતાનગરની મુલાકાત લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આયોજિત ‘એકતા પ્રકાશ પર્વ-૨૦૨૬’નું નિરીક્ષણ કર્યું હતું.
દીપોત્સવી પર્વ અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ ભવ્ય પ્રકાશોત્સવમાં વડાપ્રધાનશ્રીએ ઇન્ડોર વિભાગમાં તૈયાર કરાયેલા ઉત્તર, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ભારતના ચાર પ્રાદેશિક ઝોનની કલાત્મક ઝાંખી નિહાળી હતી. જેમાં ઉત્તર ભારતના રામમંદિર, હિમાલયની સંસ્કૃતિ, પંજાબ-રાજસ્થાનની લોકકલા, પૂર્વ ભારતના આસામના બિહુ, ઓડિશાનું સ્થાપત્ય અને બંગાળની પરંપરા, પશ્ચિમ ભારતના ગુજરાતના ગરબા, રાણી કી વાવ, કચ્છી હસ્તકલા અને મહારાષ્ટ્રની સંસ્કૃતિ તેમજ દક્ષિણ ભારતના મીનાક્ષી મંદિર, હમ્પી અને કેરળની બોટ રેસ જેવી વિશેષતાઓને રંગબેરંગી રોશની દ્વારા જીવંત કરવામાં આવી છે. વડાપ્રધાનશ્રીએ પરિસરમાં ફરીને વિવિધ કલાકૃતિઓ અને રોશનીના શણગારને રસપૂર્વક નિહાળ્યા હતા.
પ્રકાશોત્સવના આઉટડોર વિભાગમાં પણ ભારતીય જીવનમૂલ્યો અને સનાતન પરંપરાને રજૂ કરતી ૧૧ જેટલી વિવિધ પ્રકાશ રચનાઓ તૈયાર કરવામાં આવી છે. જેમાં ‘ભારત - સોને કી ચીડિયા’, ‘સમય કા ચક્ર’, યોગ, દીપ સુરંગ, પ્રકાશિત પુષ્પો, રંગબેરંગી બલૂન અને વિવિધ પ્રકાશિત શિલ્પોની ઝાંખી વડાપ્રધાનશ્રીએ માણી હતી.
નોંધનીય છે કે, વર્ષ ૨૦૨૫માં પ્રથમ વખત યોજાયેલા પ્રકાશોત્સવને મળેલી અપ્રતિમ સફળતા બાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા સતત બીજા વર્ષે આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીશ્રીના હસ્તે તાજેતરમાં ખુલ્લો મૂકવામાં આવેલો આ ૯૧ દિવસીય પ્રકાશોત્સવ પ્રવાસીઓ અને મુલાકાતીઓ માટે ૧૫ જાન્યુઆરી, ૨૦૨૭ સુધી ખુલ્લો રહેશે. જેમાં દરરોજ સાંજે ૬:૦૦થી રાત્રે ૧૦:૩૦ વાગ્યા સુધી નિઃશુલ્ક પ્રવેશ મેળવી શકાશે.
આ પ્રકાશોત્સવ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત, પ્રાદેશિક વિવિધતા અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને રોશનીના માધ્યમથી સુંદર રીતે ઉજાગર કરતું આકર્ષણ બની રહ્યો છે.
📲Get App