🔥 TRENDING ਸ੍ਰੀ ਮੁਕਤਸਰ ਸਾਹਿਬ ਪੁਲਿਸ ਦੇ 08 ਪੁਲਿਸ ਮੁ... Former Tripura CM Manik Sarkar Threate... Tripura BJP ramps up for Village Commi... TIPRA Motha ramps up pressure on BJP a... Himachal Pradesh to Reduce IAS Cadre f... Budget session of 14th Himachal Prades...
18 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ચિતલ રેલવે સ્ટેશનને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ શ્રાવણના પ્રથમ સોમવારે ચિતલ ખાતે રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 17 Aug 2026, 07:50 PM 👁 11
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ચિતલ રેલવે સ્ટેશનને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ

શ્રાવણના પ્રથમ સોમવારે ચિતલ ખાતે રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું

ચિતલને વંદે ભારતનું સ્ટોપેજ મળવું અમરેલીના વિકાસ માટે મહત્વપૂર્ણ : રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા

વંદે ભારત બાદ વેરાવળ–હરિદ્વાર ટ્રેનનો સ્ટોપેજ વડિયા-ચિતલ-લાઠીને અપાવવાની નેમ- સાંસદશ્રી ભરતભાઈ સુતરિયા


અમરેલી, તા. ૧૭ ઓગસ્ટ, ૨૦૨૬
અમરેલી જિલ્લાના ચિતલ રેલવે સ્ટેશન ખાતે શ્રાવણના પ્રથમ સોમવારે સાબરમતી–વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું સ્ટોપેજ મળતા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદશ્રી ભરતભાઈ સુતરિયા, જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રી દક્ષાબહેન ચોડવડિયા સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી બતાવી વંદે ભારત એક્સપ્રેસને ચિત્તલથી પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પ્રસંગે ઉર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા સાબરમતી–સોમનાથ વંદે ભારત એક્સપ્રેસનો રૂટ બદલીને બોટાદ અને અમરેલી જિલ્લાને લાભ મળે તે રીતે આયોજન કરવામાં આવ્યું છે. અમરેલી જિલ્લામાં વંદે ભારતનું સ્ટોપેજ કયા સ્થળે આપવામાં આવે તે અંગે મંથન કર્યા બાદ ચિતલ ખાતે સ્ટોપેજ આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતના માત્ર પાંચ દિવસમાં કેન્દ્રીય રેલવે મંત્રીશ્રીએ ચિતલને વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ આપ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચિતલ પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે. જિલ્લામાં ચિતલ એકમાત્ર એવું ગામ છે જ્યાં સરકારની મંજૂરીથી બે પૂલ તૈયાર કરવામાં આવ્યા છે. ચિતલનો સનેડો ઉદ્યોગ સમગ્ર રાજ્યમાં પોતાની આગવી ઓળખ બનાવી ચૂક્યો છે. સનેડા ઉદ્યોગને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા રૂ. ૭૫,૦૦૦ સુધીની સબસિડી આપવામાં આવી છે. અમરેલીના શેડુભાર ખાતે નવી જી.આઈ.ડી.સીની મંજૂરી સહિતના વિકાસકાર્યો થકી અમરેલી જિલ્લો ‘વિકસિત અમરેલી’ બનવા તરફ આગળ વધી રહ્યો છે.

સાંસદશ્રી ભરતભાઈ સુતરિયાએ જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લાને વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ મળતા કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આગામી દિવસોમાં વેરાવળ–હરિદ્વાર ટ્રેનને પણ વડિયા, ચિતલ અને લાઠી ખાતે સ્ટોપેજ મળે તે માટે રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત અમરેલી–ધારી બ્રોડગેજ રેલવે રૂપાંતરણ માટે પણ કેન્દ્ર સરકાર સમક્ષ સકારાત્મક ચર્ચા થઈ હોવાનું તેમણે જણાવ્યું હતું.

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું વેરાવળ તરફ જવા માટે સવારે ૯:૪૩ કલાકે અને સાબરમતી તરફ જવા માટે સાંજે ૬:૦૩ કલાકે ચિતલ રેલવે સ્ટેશન ખાતે આગમન થશે. ચિતલ ખાતે સ્ટોપેજ મળતા અમરેલી જિલ્લા સહિત આસપાસના વિસ્તારના નાગરિકોને ઝડપી અને આધુનિક રેલવે મુસાફરીની સુવિધાનો લાભ મળશે.

આ પ્રસંગે લીલિયા–સાવરકુંડલા મતવિસ્તારના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા, લાઠી–બાબરા મતવિસ્તારના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી મહાવીરબાપુ, જિલ્લા પંચાયતના સભ્યશ્રી વિલાસબહેન દેસાઈ, અમરેલી નગરપાલિકાના પ્રમુખશ્રી વૈશાલી બહેન માંગરોળિયા, તાલુકા પંચાયતના સભ્યો, ચિતલ ગ્રામ પંચાયતના સભ્યો, સરપંચશ્રીઓ તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ચિતલ ખાતે વંદે ભારત એક્સપ્રેસના સ્ટોપેજને પગલે સ્થાનિક નાગરિકો અને મુસાફરોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
📲Get App