🔥 TRENDING BJP narrowly leads Congress in Rajasth... Delhi Police Deploy New BNS Sections A... Two Killed in Road Accident in Reasi,... Gym Trainer Killed in Delhi Gang Shoot... NSUI launches DUSU manifesto calling f... BJP clinches majority in Kota Municipa...
14 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમરેલીના આંગણે ઉજવાશે ગૌરવવંતુ રાષ્ટ્રીય પર્વ....
 
જ્યારે મેઘાણીએ ભરી અદાલતમાં કહ્યું...."નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે, ખબર છે એટલી કે, માતની હાકલ પડી છે"...

અમરેલીના આંગણે ઉજવાશે ગૌરવવંતુ રાષ્ટ્રીય પર્વ.... જ્યારે મેઘાણીએ ભરી અદાલતમાં કહ્યું...."નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે, ખબર છે એટલી કે, માતની હાકલ પડી છે"...

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 13 Aug 2026, 09:10 PM 👁 31
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલીના આંગણે ઉજવાશે ગૌરવવંતુ રાષ્ટ્રીય પર્વ....

જ્યારે મેઘાણીએ ભરી અદાલતમાં કહ્યું...."નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે, ખબર છે એટલી કે, માતની હાકલ પડી છે"...

ઝવેરચંદ મેઘાણીના કાવ્યસંગ્રહ 'સિંધુડા'થી અંગ્રેજોની ઊંઘ હરામ થઈ ગઈ !

સિંધુડા' એ સ્વાતંત્ર્ય ચળવળમાં દેશદાઝની અનોખી જ્વાળા પ્રજ્વલિત કરી હતી : 'સિંધુડા' પર અંગ્રેજોને પ્રતિબંધ મૂકવા ફરજ પડી હતી

સ્વાતંત્ર્ય વીર રતુભાઈ અદાણીએ પ્રતિબંધિત 'સિંધુડા'ની હજારો કોપીઓ છાપી ગામે ગામ પહોંચાડી...

૮૦માં આઝાદી પર્વે મેઘાણીને યાદ કરે છે, અમરેલીના યુવા કવિ પ્રણવ પંડ્યા...




અમરેલી તા.૧૩ ઓગસ્ટ, ૨૦૨૬
લોકસાહિત્યના મરજીવા અને ગાંધીજીએ જેમને 'રાષ્ટ્રીય શાયર'નું બિરુદ આપ્યું છે તેવા અમરેલીની ભૂમિના અણમોલ રતન ઝવેરચંદ મેઘાણીની કલમે આઝાદીની ચળવળમાં લોકોમાં દેશદાઝની જ્વાળા પ્રબળ કરી હતી. ખાસ 'સિંધુડા' કાવ્યસંગ્રહે તો અંગ્રેજોની ઊંઘ હરામ કરી મૂકી હતી.

અમરેલીના કવિ શ્રી પ્રણવ પંડ્યા આ સંદર્ભમાં કહે છે કે, ૮૦માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ગૌરવવંતી ઉજવણી અમરેલીના આંગણે થવાની છે. ત્યારે આ જ ભૂમિના રતન ઝવેરચંદ મેઘાણીને યાદ કરવા ઘટે. તેમણે ન માત્ર લોકસાહિત્યનું સંપાદન કર્યું, પરંતુ દેશની સ્વાતંત્ર્ય ચળવળમાં દેશદાઝનો એક જુવાળ પેદા કરતી કવિતાઓ રચી અને સંપાદિત પણ કરી હતી. એ સમયે મેઘાણીની કવિતા સ્વતંત્રતા સંગ્રામની રણહાક બની. વિશેષ તો મેઘાણી રચિત માત્ર ૧૫ કાવ્યોને સમાવતા 'સિંધુડો' નામના કાવ્યસંગ્રહે જનમાનસમાં એવી જાગૃતિ લાવી કે એના પર પ્રતિબંધ મૂકવાની અંગ્રેજોને ફરજ પડી હતી.

અમૃતલાલ શેઠની આગેવાનીમાં જ્યારે ધોલેરાનો સત્યાગ્રહ થયો એ વખતે આ 'સિંધુડો' કાવ્યસંગ્રહ પ્રકાશિત થયો હતો. તેમાં સમાવાયેલી અનેક રચના તો આજેપણ દેશદાઝની ઉદ્દઘોષક બની ગવાતી અને સંભળાતી રહે છે. મેઘાણીજીનું શૌર્ય આ રચનાઓ વ્યક્ત કરે છે:

"રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,
કેસરવરણી સમરસેવિકા કોમળ સેજ બિછાવે;
ઘાયલ મરતાં મરતાં રે, માતની આઝાદી ગાવે !"

"જનનીના હૈયામાં પોઢંતાં પોઢંતાં
પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ
પામ્યો કસુંબીનો રંગ.
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ!"

શિવાજીનું હાલરડું -
"આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઈને આવ્યા બાળ..."

આવી રાષ્ટ્રભક્તિસભર રચનાઓએ તે સમયે આઝાદીના લડવૈયાઓમાં નવા જોમ-જુસ્સા સાથે પ્રેરકબળ પૂરું પાડ્યું હતું. તો, જનસામાન્યમાં શૌર્યભાવ જગાવી, દેશદાઝની ભાવના ચેતનવંતી કરી હતી. કવિ પ્રણવ પંડ્યા ઉમેરે છે કે, એ સમયે લગભગ 'સિંધુડા'ની ૧૦ હજાર જેટલી કોપી છપાઈ હતી અને ઘર ઘર સુધી પહોંચી હતી. અંગ્રેજો આ વાત પામી ગયા એટલે તેમણે 'સિંધુડા' પર પ્રતિબંધ મૂક્યો.

બીજી તરફ, આ રચનાઓ ગામેગામ ખૂબ લોકપ્રિય બની હતી. સત્યાગ્રહ વગેરે જગ્યાએ ખૂબ ગવાતી. એટલે આપણી આઝાદી અને અમરેલી-ધારીના સ્વાતંત્ર્ય વીર રતુભાઇ અદાણીએ 'સિંધુડા'ની સાયક્લોસ્ટાઇલથી હજારો કોપીઓ છાપી ગામેગામ પહોંચાડી હતી. છેવટે અંગ્રેજોને મેઘાણીની રચનાઓ અને તેમનાં ભાષણો કણાની જેમ ખૂંચવા લાગે છે. એટલે બરવાળાથી ધંધુકા જેલમાં સત્યાગ્રહીઓને મળવા ગયા ત્યારે રાજદ્રોહના આરોપસર મેઘાણીની ધરપકડ કરવામાં આવી હતી.

તેઓ એક રોચક વાત ઉમેરે છે કે, જ્યારે ધંધુકાની અદાલતમાં મેઘાણીને ન્યાયાધીશ સમક્ષ રજૂ કરવામાં આવે છે અને પોતાનો બચાવ રજૂ કરવા મેઘાણીને કહેવામાં આવે છે ત્યારે મેઘાણી ઝાઝું કશું કહેવાને બદલે એક પ્રાર્થના રજૂ કરવાની અનુમતિ માગે છે. ન્યાયાધીશે મંજૂરી આપતાં મેઘાણી પોતાના ઘેઘૂર સ્વરમાં રજૂ કરે છે...

"નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે,
ખબર છે એટલી કે માતની હાકલ પડી છે.

જીવે મા માવડી એ કાજ મરવાની ઘડી છે,
ફિકર શી જ્યાં લગી તારી અમો પર છડી છે."

મેઘાણીની આ ભાવસભર પ્રસ્તુતિથી ન્યાયાધીશ સહિત સૌ કોઈની આંખો પણ ભીની થઈ જાય છે....મેઘાણીને રાજદ્રોહના કેસમાં કારાવાસ ભોગવો પડે છે.

કવિ પ્રણવ પંડ્યા કહે છે કે, ઝવેરચંદ મેઘાણી બહુઆયામી વ્યક્તિત્વના માલિક હતા. તેમણે ગામે ગામે અને ટીંબે ટીંબે ફરીને લોકસાહિત્યનું સંપાદન તો કર્યું જ. પણ માતૃભૂમિ જ્યારે ગુલામીની જંજીરોમાં જકડાયેલી હોય ત્યારે પ્રેમ-પ્રકૃતિના નહીં પણ સામાજિક નિસબત ધરાવતી રચનાઓ - સાહિત્ય રચ્યું હતું.

મેઘાણીના આ સાહિત્યે આઝાદીની લડતમાં સૂતેલાને-જગાડવા, જાગતાને-બેઠાડવા, બેઠાને-ઊભા, ઊભાને-ચાલતાં અને ચાલતાંને-દોડતા કરવાનું કામ કર્યું હતું.

*જ્યારે ગાંધીજીએ મેઘાણીને આપ્યું 'રાષ્ટ્રીય શાયર'નું બિરુદ*

મહાત્મા ગાંધીજી જ્યારે બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે ઇંગ્લેન્ડ જઈ રહ્યાં હોય છે. ત્યારે મેઘાણીએ ગાંધીજીના મનમાં ચાલતા સંઘર્ષોને સચોટ રીતે વર્ણવતી રચના લખી હતી, જે હતી...

છેલ્લો કટોરો ઝેરનો: આ પી જજો, બાપુ!
સાગર પીનારા! અંજલિ નવ ઢોળજો, બાપુ!

આ કાવ્યથી ગાંધીજી ખૂબ પ્રભાવિત થયા અને દેશસેવાની કઠિન જવાબદારીઓને સચોટ રીતે વ્યક્ત કરતું હોવાનું માની, ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને 'રાષ્ટ્રીય શાયર'નું બિરુદ આપ્યું હતું, તેમ પણ કવિ પ્રણવ પંડ્યાએ ઉમેર્યું હતું.
📲Get App