🔥 TRENDING અમરેલીમાં ગાગડીયો નદી પુનર્જીવિત, 3 તા... Delhi Police Registers FIR Against Pra... Rescue operations halted at Odisha lan... Escalating Tensions in Kotia, Odisha P... Schools Closed in Telangana on Nov 5 f... AP Chainsaw Attack: Hemanth's Leg Ampu...
04 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Agriculture

અમરેલીમાં ગાગડીયો નદી પુનર્જીવિત, 3 તાલુકાના ખેડૂતોને સિંચાઈનો મોટો ફાયદો

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 04 Nov 2026, 12:40 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સવજી ધોળકિયાના મિશન 100 સરોવર અને સરકારના સહયોગથી અમરેલી જિલ્લાની ગાગડીયો નદીને 28 કિલોમીટરના વિસ્તારમાં પુનર્જીવિત કરવામાં આવતાં લાઠી, અમરેલી અને આસપાસના તાલુકાના ખેડૂતોને સિંચાઈ માટે પાણીની સમસ્યાનો અંત આવ્યો છે.

અમરેલી/લાઠી, તા. 4 નવેમ્બર: અમરેલી જિલ્લાના ખેડૂતો માટે મોટા સારા સમાચાર સામે આવ્યા છે. જિલ્લાની મહત્વની ગાગડીયો નદી, જે શેત્રુંજી નદીની મુખ્ય સહાયક નદી છે, તેને પુનર્જીવિત કરવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટથી લાઠી, અમરેલી અને આસપાસના કુલ 3 તાલુકાના અનેક ગામોના ખેડૂતોને સીધો ફાયદો થશે.

પ્રાપ્ત માહિતી મુજબ, ગાગડીયો નદીના દેવળિયા ગામથી કાંકરચ ગામ સુધીના 28 કિલોમીટરના પટ્ટામાં વિશાળ પાયે કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં નદીની સફાઈ, નદીને ઊંડી કરવી, કાંપ દૂર કરવો અને જગ્યા જગ્યાએ નવા ચેકડેમ બનાવવાનો સમાવેશ થાય છે. આ વર્ષે ચોમાસામાં સારા વરસાદને કારણે નદી સોળે કળાએ ખીલી ઉઠી છે અને ચેકડેમો પાણીથી છલોછલ ભરાયા છે.

ઉલ્લેખનીય છે કે સુકાતી જતી ગાગડીયો નદીને બચાવવા માટે સુરતના પ્રખ્યાત હીરા ઉદ્યોગપતિ અને લાઠી તાલુકાના દુધાળા ગામના વતની સવજીભાઈ ધોળકિયાએ મિશન 100 સરોવરની શરૂઆત કરી હતી. તેમની સંસ્થા દ્વારા દુધાળા નજીક હેટની હવેલી પાસે કરોડોના ખર્ચે ભારતમાતા સરોવર પણ બનાવવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટના શિલાન્યાસ પ્રસંગે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ ઉપસ્થિત રહ્યા હતા.

સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ, છેલ્લા ઘણા વર્ષોથી નદી સુકાઈ જવાને કારણે ઉનાળામાં સિંચાઈ માટે પાણીની ભારે તંગી રહેતી હતી. પરંતુ હવે ચેકડેમમાં પાણીનો સંગ્રહ થતાં શિયાળુ અને ઉનાળુ પાક માટે પણ પાણી મળી રહેશે, જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
📲Get App