🔥 TRENDING TGCHE urges Telangana universities to... Centre Declines Proposal for New IIM C... Schools Closed on Nov 4, 2026: State‑w... Kanak News Odisha airs weather update... Kanak News Odisha Issues 8 PM Cyclone... Modi to Hold Bathinda Rally After Diwa...
04 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલીની શાળામાં સૌરાષ્ટ્રની પ્રથમ VR અને AI-સક્ષમ 7D વર્ચ્યુઅલ રિયાલિટી લેબ શરૂ થઈ

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 04 Nov 2026, 08:59 AM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલીની શાળામાં સૌરાષ્ટ્રની પ્રથમ VR અને AI-સક્ષમ 7D વર્ચ્યુઅલ રિયાલિટી લેબ શરૂ થઈ

છેવાડાના અને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન-ટેકનોલોજીના નવા દ્વાર ખુલ્યા; સમગ્ર અમરેલી જિલ્લાના વિદ્યાર્થીઓ માટે અદ્યતન સુવિધા તદ્દન નિઃશુલ્ક

અભ્યાસના ૩૦૦થી વધુ ટોપિકને આંખોની સામે 7-D રિયાલિટીમાં જોઈ અને શીખવાનો અવસર સર્જાયો

દાંડીકૂચ જેવી ઐતિહાસિક ઘટનાના વર્ચ્યુઅલ અનુભવથી લઈ ભૂકંપની કંપારીઓની પ્રત્યક્ષ અનુભૂતિ મેળવતા વિદ્યાર્થીઓ

લેબ શરૂ થયાના પ્રથમ એક માસમાં જ અન્ય શાળાઓના ૭૦૦થી વધુ વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી – સંચાલક શ્રી જય કાથરોટીયા


અમરેલી, તા. ૦૩ નવેમ્બર
શિક્ષણ ક્ષેત્રે પરંપરાગત પદ્ધતિઓથી આગળ વધીને વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ અનુભવ આધારિત ગુણવત્તાસભર શિક્ષણ પૂરું પાડવાની દિશામાં અમરેલી શહેરના ઈશ્વરીયા નજીક આવેલી ડૉ. કલામ ઇનોવેટિવ સ્કૂલે સૌરાષ્ટ્રની પ્રથમ વર્ચ્યુઅલ રિયાલિટી (VR) લેબ અને ૧૦ AI-સક્ષમ 7D ચેર કાર્યરત કરી અને શિક્ષણ ક્ષેત્રે ટેકનોલોજીના ઉપયોગનું નવું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આ પહેલથી વિદ્યાર્થીઓ હવે જટિલ વિષયોને માત્ર પુસ્તકોમાં વાંચવા કે ગોખવા પૂરતા મર્યાદિત ન રહેતાં, આધુનિક ટેકનોલોજીની મદદથી જીવંત અનુભવો દ્વારા સમજી શકે છે. શાળાને આ સુવિધા આર્થિક સહયોગથી પ્રાપ્ત થઈ હોવાથી તેનો લાભ અમરેલી જિલ્લાની તમામ શાળાઓ લઈ શકશે.

શાળામાં કાર્યરત અદ્યતન VR લેબ વિદ્યાર્થીઓને વર્ચ્યુઅલ દુનિયામાં પ્રવેશ કરાવી વિવિધ વિષયોનો પ્રત્યક્ષ અનુભવ કરાવે છે. લેબમાં સ્થાપિત ૧૦ AI-સક્ષમ 7D ચેર ૩૬૦ ડિગ્રી રોટેશન, વાઇબ્રેશન અને અન્ય સંવેદનાત્મક અસરો દ્વારા વિદ્યાર્થીઓને વાસ્તવિકતાની નજીકનો અનુભવ આપે છે. પરિણામે વિજ્ઞાન, ભૂગોળ અને ઇતિહાસ જેવા વિષયોનું અધ્યયન વધુ રસપ્રદ અને સમજણસભર બને છે.

દાંડીકૂચ જેવી ઐતિહાસિક ઘટનાઓના વર્ચ્યુઅલ અનુભવ દ્વારા વિદ્યાર્થીઓ સાબરમતી આશ્રમથી દાંડી સુધીની યાત્રાના વાતાવરણને અનુભવી શકે છે. તેવી જ રીતે, ભૂકંપના આંચકા અને કંપનની અનુભૂતિ દ્વારા કુદરતી આપત્તિઓ અંગે વૈજ્ઞાનિક સમજ કેળવી શકે છે. વોટર-સ્પ્રે અને રોટેશન ટેકનોલોજીની મદદથી દરિયાઈ જીવસૃષ્ટિનો અનુભવ પણ વિદ્યાર્થીઓ માટે અભ્યાસને વધુ જીવંત બનાવે છે.

આ પહેલ અંગે શાળાના સંચાલક શ્રી જય કાથરોટિયાએ જણાવ્યું હતું કે, “બાળકો દૃશ્ય માધ્યમથી વિષયોને યાદ રાખે છે, પરંતુ 7D ચેર પર ઓક્યુલસની મદદથી તેઓ અઘરા વિષયોને પ્રત્યક્ષ અનુભવી શકે છે. અમારો મુખ્ય સંકલ્પ એ છે કે આધુનિક ટેકનોલોજીનો લાભ માત્ર અમુક વર્ગ પૂરતો સીમિત ન રહે, પરંતુ અમરેલી શહેર અને જિલ્લાના છેવાડાનાં ગામડાંઓના વિદ્યાર્થીઓ સુધી પણ પહોંચે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "ઈફકોના ચેરમેનશ્રી દિલીપભાઈ સંઘાણીના સહયોગથી સાકાર થયેલી આ સુવિધા માત્ર શાળાના વિદ્યાર્થીઓ પૂરતી મર્યાદિત રાખવામાં આવી નથી. સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે અમરેલી જિલ્લાના તમામ સરકારી અને ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓ તથા વાલીઓ માટે આ સુવિધા તદ્દન નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવી છે. લેબ શરૂ થયાના પ્રથમ એક માસમાં જ અન્ય શાળાઓના ૭૦૦થી વધુ વિદ્યાર્થીઓએ મુલાકાત લઈને આ અદ્યતન ટેકનોલોજીનો લાભ મેળવ્યો છે. જિલ્લાની અન્ય તમામ શાળાઓ આ સુવિધાઓ લઈ શકશે."

અગાઉ ‘ટેકનોરથ સ્ટાર્ટઅપ સ્ટુડિયો’ દ્વારા રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ઓળખ પ્રાપ્ત કરનાર ઇનોવેટિવ સ્કૂલે આ નવી પહેલ દ્વારા ડિજિટલ ભેદભાવ દૂર કરવાની દિશામાં પણ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. અમરેલી જેવા વિસ્તારમાં ગ્રામ્ય અને છેવાડાના વિદ્યાર્થીઓને આધુનિક ટેકનોલોજીથી સજ્જ શિક્ષણનો અનુભવ પૂરો પાડતું આ મોડેલ શિક્ષણ ક્ષેત્રે પ્રેરણારૂપ બની રહ્યું છે.

આમ, આ પહેલ માત્ર ટેકનોલોજીના ઉપયોગ પૂરતી સીમિત નથી, પરંતુ દરેક વિદ્યાર્થીને સમાન તક અને ગુણવત્તાસભર શિક્ષણ ઉપલબ્ધ કરાવવાના સંકલ્પની સાફલ્ય ગાથા છે.
📲Get App