🔥 TRENDING Tripura SEC Wraps Up Preparations for... Campaigning for TTAADC Village Committ... South Tripura becomes first district i... Scientists Uncover New Ancient Fungus... मिर्जापुर के गोविंद जी गुप्ता हुरुन इं... Western Disturbance Brings Rain to Him...
26 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સ્વચ્છતા અને ગુણવત્તા નહીં તો ₹૩,૮૫૦ કરોડની ગ્રાન્ટ બંધ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મનપા-નગરપાલિકાઓને કડક ચીમકી

✍️ Reporter: Chauhan Dolatsinh 🗓 26 Sep 2026, 09:02 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રાજ્યની તમામ મનપા અને નગરપાલિકાઓના અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે જો શહેરોમાં સ્વચ્છતા અને ગુણવત્તાયુક્ત કામગીરી નહીં જણાય તો ₹૩,૮૫૦ કરોડની ગ્રાન્ટમાંથી એક પણ રૂપિયો નહીં મળે.

ગાંધીનગરમાં ₹૩,૮૫૦ કરોડના ગ્રાન્ટ વિતરણ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના અધિકારીઓને સ્વચ્છતા અને વિકાસના મુદ્દે કડક સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, "સ્વચ્છતા જોઈએ...જોઈએ...ને જોઈએ... નહંતર ગ્રાન્ટ જ બંધ." આ સાથે તેમણે સ્પષ્ટ કર્યું કે પ્રજાના ટેક્સના પૈસાનો બગાડ કે વેઠ ઉતારવાની નીતિ હવે ચલાવી લેવાશે નહીં.

મુખ્યમંત્રીએ ચાર મુખ્ય આદેશો જારી કર્યા છે. પ્રથમ, ગંદકી સામે ઝીરો ટોલરન્સ અપનાવવામાં આવશે અને જે વિસ્તારમાંથી સફાઈ બાબતે ફરિયાદો આવશે, ત્યાંની ગ્રાન્ટ અટકાવી દેવાશે. બીજું, ડામરના કામચલાઉ રસ્તાઓને બદલે હવે માત્ર ક્વોલિટીવાળા RCC રોડ જ બનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેથી દર ચોમાસે રસ્તાઓ ધોવાઈ ન જાય. ત્રીજું, ખાડા પૂરવાના ડ્રામાને બદલે ભુવા પડવાના મૂળ કારણો શોધી ડ્રેનેજ અને પાણીની લાઈનોનું કાયમી ધોરણે આયોજન કરવા જણાવાયું છે.

આ ઉપરાંત, શહેરોને વધુ હરિયાળા બનાવવા માટે નવી TP સ્કીમમાં ૧% જમીન ઓક્સિજન પાર્ક અથવા વૃક્ષારોપણ માટે ફરજિયાત રાખવાનો આદેશ પણ મુખ્યમંત્રીએ આપ્યો છે. તેમણે અધિકારીઓને જવાબદારીપૂર્વક કામ કરવા અને શહેરના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું છે, અન્યથા ગ્રાન્ટ નહીં મળે તેવી સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે. નબળા કામકાજ કે ગંદકીની ફરિયાદો આવશે તો અધિકારીઓ સામે સીધા પગલાં લેવાશે.
📲Get App