🔥 TRENDING Actress Rakul Preet Singh calls IT rai... DRISHYAM THE CONCLUSION Sets New Bench... Arijit Singh to Launch 2027 India Tour... Anuv Jain: Rising Indian Singer Shares... Arijit Singh Announces India Tour to C... Karnataka Form 7 Row Sparks Concern, R...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમરેલી જિલ્લાના ખેડૂતો માટે દિવેલાના પાકમાં રોગ-જીવાત નિયંત્રણ માટે ઉપયોગી ઉપાયો

અમરેલી જિલ્લાના ખેડૂતો માટે દિવેલાના પાકમાં રોગ-જીવાત નિયંત્રણ માટે ઉપયોગી ઉપાયો

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 03 Aug 2026, 09:44 AM 👁 75
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી જિલ્લાના ખેડૂતો માટે દિવેલાના પાકમાં રોગ-જીવાત નિયંત્રણ માટે ઉપયોગી ઉપાયો

અમરેલી તા.૧ ઓગસ્ટ, ૨૦૨૬ -
ખેડૂતોને દિવેલાના પાકમાં રોગ-જીવાતનું અસરકારક નિયંત્રણ કરી વધુ ઉત્પાદન મેળવવા માટે વાવણી સમયે જ જરૂરી વૈજ્ઞાનિક તકેદારીઓ અપનાવવા કૃષિ વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે. પાકની શરૂઆતથી જ યોગ્ય બીજની પસંદગી, બીજ માવજત અને ખેતર વ્યવસ્થાપન દ્વારા રોગ-જીવાતના ઉપદ્રવને નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે.

ખેડૂતોને વાવણી પહેલાં બીજને થાયરમ અથવા કાર્બેન્ડાઝિમ દવાના ત્રણ ગ્રામ પ્રતિ કિલોગ્રામ બીજના પ્રમાણમાં બીજ માવજત કરવાની સલાહ આપવામાં આવી છે. છેલ્લા બે વર્ષથી દિવેલાનો પાક લેવામાં આવ્યો ન હોય તેવા ખેતરની પસંદગી કરવી તેમજ ખેતરની ઉનાળુ ફેરબદલી કરવી. છાણિયા ખાતર અથવા સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરવો અથવા લીલો પડવાશ કરવો. સુકારા રોગ સામે પ્રતિરોધક જાતો જેવી કે જી.સી.એચ-૭, જી.સી.એચ-૮, જી.સી.એચ-૯ અને જી.સી.એચ-૧૦ની પસંદગી કરવી.

સુકારા રોગના અસરકારક નિયંત્રણ માટે મકાઈ, જુવાર, બાજરી અથવા ઘઉંની ફેરબદલી કરવાની પણ ભલામણ કરવામાં આવી છે. ઘોડિયા ઈયળના ઉપદ્રવને અટકાવવા અને તેના રાસાયણિક નિયંત્રણ પાછળનો ખર્ચ ઘટાડવા માટે દિવેલાનું વાવેતર અગત્યના પ્રથમ અઠવાડિયામાં પૂર્ણ કરવું તેમજ કપાસના ખેતરોને આંતરપાક તરીકે અપનાવવાનું ટાળવું જોઈએ.

પ્રાકૃતિક ખેતી અપનાવતા ખેડૂતોને બીજમૂઠનો પટ આપી છાંયડામાં સૂકવી વાવેતર કરવાની સલાહ આપવામાં આવી છે. ઉપરાંત, એક એકર જમીનમાં ૧૦૦ કિલોગ્રામ છાણિયું ખાતર અને ૧૦૦ કિલોગ્રામ ધન જીવામૃત ભેળવી ઉપયોગ કરવો.

દિવેલાના મૂળખાઈ અને સુકારા રોગના જૈવિક નિયંત્રણ માટે પાંચ કિલોગ્રામ ટ્રાઇકોડર્મા પાવડરને ૫૦૦ કિલોગ્રામ છાણિયા ખાતર અથવા લીમડાના ખોળ સાથે ભેળવી વાવણી પહેલાં ચાસમાં આપવાની ભલામણ કરવામાં આવી છે.

કૃષિ વિભાગે ખેડૂતોને દવાનો ઉપયોગ કરતાં પહેલાં દવાના પેકેટ પર આપેલી સૂચનાઓ, ભલામણ કરેલો ડોઝ અને સંબંધિત રોગ-જીવાત માટે જ દવાનો ઉપયોગ કરવાની ખાસ સૂચના આપી છે, તેને અનુસરવી પણ આવશ્યક છે. વધુ માર્ગદર્શન માટે ખેડૂતો પોતાના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી અથવા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ/તાલીમ)નો સંપર્ક કરી કરવો. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.
📲Get App