🔥 TRENDING Diljit Dosanjh's Bengaluru Concert Fac... Drishyam: The Conclusion OTT Release:... गुरु नानक देवजींच्या जयंतीनिमित्त नीड... Palghar Reservoirs at 10% Capacity as... Mumbai to receive 67 TMC water from Ko... 4 Students Killed in Truck-School Bus...
24 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગુજરાતની દરિયાઈ સુરક્ષા સઘન : જામનગર જિલ્લાના સાગરકાંઠા અને ટાપુઓ સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં મરીન કમાન્ડોનું મેગા પેટ્રોલિંગ

✍️ Reporter: sutariya kalpeshbhai haribhai 🗓 24 Nov 2026, 12:24 PM 👁 25
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વેસ્ટ એશિયામાં પ્રવર્તી રહેલી તણાવપૂર્ણ ભૂરાજકીય પરિસ્થિતિ અને રાજ્યના દરિયાકાંઠે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની કોસ્ટલ સિક્યુરિટી એક્સરસાઇઝને ધ્યાનમાં રાખીને જામનગર જિલ્લાના સાગરકાંઠા અને ટાપુ વિસ્તારોમાં દરિયાઈ સુરક્ષા સઘન બનાવવામાં આવી છે. જેના ભાગરૂપે આજે મરીન ટાસ્ક ફોર્સની વિવિધ ટીમો દ્વારા ઝિંદ્રા ટાપુ, માસુરા ક્રીક, જુના-નવા બેડી બંદર અને રોઝી બંદર સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં મેગા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.


તા. 23 નવેમ્બરના રોજ મરીન કમાન્ડોની ટીમોએ પગપાળા તેમજ બોટ મારફતે દરિયાકાંઠા અને ટાપુ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ કરી ચકાસણી હાથ ધરી હતી. દરિયાઈ માર્ગે ઘૂસણખોરી, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, હથિયારો તથા નશીલા પદાર્થોની હેરાફેરી સહિતની શંકાસ્પદ પ્રવૃત્તિઓને અટકાવવાના હેતુથી આ કાર્યવાહી કરવામાં આવી હતી.

એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ) તથા કોસ્ટલ સિક્યુરિટી, દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સ તથા હજીરા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન દરિયાકાંઠા અને ટાપુઓની આસપાસ અજાણી વ્યક્તિઓ, બોટો તથા શંકાસ્પદ હિલચાલ પર ચાંપતી નજર રાખવામાં આવી હતી. ફિશ લેન્ડિંગ પોઇન્ટ, માછીમારી કેન્દ્રો, જેટીઓ, ઔદ્યોગિક સ્થાપનો ઉપરાંત અવાવરું અને નિર્જન વિસ્તારોમાં પણ તપાસ કરવામાં આવી હતી.

માછીમારો સાથે સંવાદ કરી સુરક્ષામાં સહયોગની અપીલ

પેટ્રોલિંગ દરમિયાન મરીન કમાન્ડોની ટીમોએ વિવિધ માછીમારી વસાહતો અને ફિશિંગ સેન્ટરોની મુલાકાત લઈ માછીમારો સાથે સીધો સંવાદ કર્યો હતો. દરિયામાં કે દરિયાકાંઠે કોઈ અજાણી બોટ, અજાણી વ્યક્તિ અથવા શંકાસ્પદ હિલચાલ જોવા મળે તો તાત્કાલિક નજીકના પોલીસ મથક કે સુરક્ષા એજન્સીને જાણ કરવા માછીમારોને અપીલ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લાનો વિશાળ દરિયાકાંઠો, બંદરો, જેટીઓ, ઔદ્યોગિક એકમો અને વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવતા ટાપુ વિસ્તારોને કારણે દરિયાઈ સુરક્ષાની દૃષ્ટિએ આ જિલ્લો અત્યંત સંવેદનશીલ છે. આથી નિયમિત પેટ્રોલિંગ ઉપરાંત સમયાંતરે વિશેષ ચકાસણી અને દેખરેખની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે.

આગામી દિવસોમાં પણ સાગરકાંઠા અને ટાપુ વિસ્તારોમાં પેટ્રોલિંગ તથા સુરક્ષા ચકાસણી ચાલુ રાખવામાં આવશે. સ્થાનિક માછીમારો અને દરિયાકાંઠાના રહેવાસીઓના સહયોગથી દરિયાઈ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો સુરક્ષા એજન્સીઓનો પ્રયાસ છે.
📲Get App