🔥 ट्रेंडिंग आशाबारी में झड़प: बीएसएफ के तीन जवान घ... Manipur Congress Legislature Party (CL... अग्निवीरों को छह वर्ष बाद सेना में शाम... तमिलनाडु ने 1 मेगावाट से अधिक सौर परिय... સુરતમાં દિવાળી દરમિયાન કતારગામમાં મળ્ય... Manipur Congress Legislature Party (CL...
04 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાધનપુર પાલિકામાં વિપક્ષી મહિલા સભ્યને લાફાની ધમકીનો આક્ષેપ: પ્રાંત અધિકારી સમક્ષ ન્યાયની માંગ, કાર્યવાહી નહીં થાય તો આંદોલન” ની ચીમકી

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 04 नव. 2026, 06:31 PM 👁 12
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાધનપુર પાલિકામાં વિપક્ષી મહિલા સભ્યને લાફાની ધમકીનો આક્ષેપ: પ્રાંત અધિકારી સમક્ષ ન્યાયની માંગ, કાર્યવાહી નહીં થાય તો આંદોલન” ની ચીમકી

રાધનપુર ન.પાલિકાની સામાન્ય સભામાં મહિલા વિપક્ષી સભ્યને લાફો મારવાની ધમકીનો આક્ષેપ!

જનહિતના પ્રશ્નો ઉઠાવતા મુક્તાબેન પટેલે ધમકી આપી હોવાનો જયા ઠાકોરનો આરોપ: પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત, નિષ્પક્ષ તપાસ અને કાયદેસરની કાર્યવાહીની માંગ

રાધનપુર નગરપાલિકાની તા. 29 ઓક્ટોબર 2026ના રોજ યોજાયેલી સામાન્ય સભામાં જનહિતના પ્રશ્નો રજૂ કરતી વખતે ભાજપના સત્તાપક્ષના વોર્ડ નં. 4નાં સભ્ય મુક્તાબેન શાંતિલાલ પટેલ દ્વારા લાફો મારી દેવાની ધમકી આપવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ મહિલા વિપક્ષી સભ્ય જયા સી. ઠાકોર દ્વારા કરવામાં આવ્યો છે. આ મામલે આજરોજ રાધનપુર પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ અને જવાબદાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

જયા સી. ઠાકોરે પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે સામાન્ય સભામાં નગરના વિકાસ અને જનહિતને લગતા પ્રશ્નો વિપક્ષી સદસ્ય તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. ખાસ કરીને નગરપાલિકામાં આપવામાં આવેલા ટેન્ડરો, ટેન્ડરોની વિગતો, કયા વર્ષમાં કયા કામો માટે ટેન્ડર આપવામાં આવ્યા અને તેના સંબંધિત ઠરાવો સહિતની માહિતી છેલ્લા દોઢ વર્ષથી માંગવામાં આવતી હોવા છતાં યોગ્ય માહિતી આપવામાં આવતી નથી. નગરપાલિકામાં પારદર્શિતા અને જવાબદારીના અભાવ અંગે પણ તેમણે સવાલો ઉઠાવ્યા હતા.

આ દરમિયાન નગરપાલિકાના પ્રમુખ અને તમામ હોદ્દેદારો તથા અન્ય સભ્યોની હાજરીમાં વોર્ડ નં. 4નાં સભ્ય મુક્તાબેન શાંતિલાલ પટેલે ઉગ્ર વલણ અપનાવી લાફો મારી દેવાની ધમકી આપી હોવાનો આક્ષેપ જયાબેન ઠાકોર દ્વારા કરવામાં આવ્યો છે. આ ઘટનાને લોકશાહી મૂલ્યો, ચૂંટાયેલા પ્રતિનિધિઓના અધિકારો અને સામાન્ય સભાની ગરિમા સામે ગંભીર પ્રશ્ન ઊભા કરનાર ગણાવવામાં આવી છે.

જયા ઠાકોરે રજૂઆતમાં જણાવ્યું છે કે જનતાના પ્રશ્નો ઉઠાવવાનો અધિકાર દરેક ચૂંટાયેલા પ્રતિનિધિનો લોકશાહી અધિકાર છે. સામાન્ય સભા જનતાના પ્રશ્નોની ચર્ચા અને ઉકેલ માટેનું મંચ છે, કોઈને ધમકાવવા કે અવાજ દબાવવા માટેનું સ્થળ નથી. આવા બનાવોથી માત્ર વિપક્ષી સભ્યો જ નહીં, પરંતુ સામાન્ય નાગરિકોમાં પણ ભયનું વાતાવરણ ઊભું થવાની શક્યતા છે.

આ મામલે પ્રાંત અધિકારી સમક્ષ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ, સામાન્ય સભાના CCTV ફૂટેજ અને સત્તાવાર વીડિયો રેકોર્ડિંગ સુરક્ષિત રાખી તેની તપાસ કરવા, સભામાં હાજર પ્રમુખ સહીત હોદ્દેદારો અને વિપક્ષના નેતા તથા અન્ય સભ્યોનાં નિવેદનો લેવા અને ધમકી આપનાર જવાબદાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ પોતાની સુરક્ષા અને ન્યાયની ખાતરી આપવા તથા ભવિષ્યમાં સામાન્ય સભા દરમિયાન કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિને ધમકાવવામાં ન આવે તે માટે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરવાની રજૂઆત કરવામાં આવી છે.

ગાંધીચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી:
વિપક્ષી જયા સી. ઠાકોરે સ્પષ્ટ ચીમકી આપતાં જણાવ્યું છે કે જનતાના પ્રશ્નો ઉઠાવવાનો અધિકાર કોઈપણ વ્યક્તિ કે પક્ષ છીનવી શકે નહીં. જો આ રજૂઆતને ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે અને જરૂર પડ્યે ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું છે કે ધમકી આપ્યાના ઓડિયો-વીડિયો પુરાવા તેમની પાસે ઉપલબ્ધ છે, જે જરૂર પડ્યે રજૂ કરવામાં આવશે.આ રજૂઆતની નકલ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી, પોલીસ મહાનિર્દેશક, પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક, રાધનપુર પ્રાંત અધિકારી અને રાધનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત સંબંધિત હોદ્દેદારોને મોકલવામાં આવી છે.
📲Get App