🔥 TRENDING சேலம் வெள்ளி கொலுசுகளுக்கு தீபாவளி ஆா்... Ranchi Power Cut: Up to 6-Hour Outage... PM Modi Launches Rs 14,000 Crore Proje... Karnataka Govt Suspends Circular on Ho... Madhya Pradesh HC orders travel allowa... Andhra Pradesh SEC Prepares for 100 Ur...
31 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષ સ્થાને “પી.એમ.કિસાન ઉત્સવ દિવસ”ની ઉજવણી સંપન્ન

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 31 Oct 2026, 09:47 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષ સ્થાને “પી.એમ.કિસાન ઉત્સવ દિવસ”ની ઉજવણી સંપન્ન

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વમાં દેશમાં દરેક સમાજ અને ખેડૂત સહિત દરેક વર્ગનું સશક્તિકરણ થઈ રહ્યું છે
- કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી નિમુબેન બાંભણીયા

દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું બનાસકાંઠાના ભીલડીથી દેશના અન્નદાતા ખેડૂતોને વર્ચ્યુઅલ માધ્યમથી પ્રેરણાત્મક સંબોધન

અમરેલી જિલ્લાના ૧.૯૩ લાખથી વધુ ખેડૂત પરિવારોના ખાતામાં ૨૪માં હપ્તા પેટે રૂ. ૩૮.૭૧ કરોડથી વધુની રકમ સીધી જમા કરાઇ

જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ કરતાં પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું : સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયાની પ્રેરક ઉપસ્થિતિ

ખેડૂતલક્ષી વિવિધ કલ્યાણકારી યોજનાઓ અન્વયે પૂર્વ મંજૂરી હુકમોનું લાભાર્થીઓને વિતરણ


અમરેલી તા. ૩૦ ઓક્ટોબર
દેશના અન્નદાતા ખેડૂતો આર્થિક રીતે સધ્ધર અને સશક્ત બને તેવા ઉદાત્ત આશય સાથે અમરેલી સ્થિત જાયજેન્ટિક હોલ, ત્રિ-મંદિર ખાતે ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાના “પી.એમ.કિસાન ઉત્સવ દિવસ” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઉજવણી અંતર્ગત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠાના ભીલડી ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી દેશભરના ખેડૂતોને પ્રેરણાત્મક સંબોધન પૂરું પાડ્યું હતું, જેને અમરેલી ખાતે ઉપસ્થિત મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં આવેલા ખેડૂતોએ જીવંત નિહાળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

“પી.એમ કિસાન ઉત્સવ દિવસ”ની આ જિલ્લાકક્ષાની ઉજવણી અંતર્ગત અમરેલી જિલ્લાના કુલ ૧.૯૩ લાખથી વધુ ખેડૂત પરિવારોને પી.એમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ૨૪ માં હપ્તા પેટે અંદાજે રૂ. ૩૮.૭૧ કરોડથી વધુની માતબર રકમની સહાય સીધી તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવી હતી. આ યોજના અંતર્ગત મળેલી સહાયથી જિલ્લાના ખેડૂતોમાં ભારે આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતા કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દેશના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે અને તેના થકી અન્નદાતાઓનું સાચા અર્થમાં આર્થિક સશક્તિકરણ થઈ રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનાવાયેલી ખેડૂતહિતલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના ખેડૂત સુધી કોઈપણ વચેટિયા વિના, સીધે સીધો તેમના બેંક ખાતામાં ડી.બી.ટી (DBT) માધ્યમથી પહોંચાડવામાં આવી રહ્યો છે, જેના લીધે પારદર્શિતા અને ત્વરિતતા સુનિશ્ચિત થઈ છે.

કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રીએ દેશના સર્વાંગી વિકાસની ચર્ચા કરતા ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રીના કુશળ નેતૃત્વ હેઠળ આજે દેશમાં દરેક સમાજ અને દરેક વર્ગનું સશક્તિકરણ થઈ રહ્યું છે અને ભારત તેજીથી વિકાસના પંથે આગળ ધપી રહ્યું છે. આ તકે તેમણે દેશની મહિલાશક્તિને ખાસ બિરદાવતા ગૌરવભેર જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં દેશની દીકરીઓ અને મહિલાઓ દરેક ક્ષેત્રમાં અગ્રેસર રહીને પ્રગતિના નવા શિખરો સર કરી રહી છે અને પોતાની અદભુત શક્તિનો પરિચય સમગ્ર રાષ્ટ્રને કરાવી રહી છે.

આ પ્રસંગે જિલ્લામાં ગાય આધારિત અને રાસાયણિક મુક્ત પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પ્રગતિશીલ ખેડૂતોનું મંચ પરથી મહાનુભાવોના હસ્તે શાલ ઓઢાડીને વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. આ સાથે જ ખેતીવાડી વિભાગની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત પાત્રતા ધરાવતા ખેડૂત લાભાર્થીઓને પૂર્વ મંજૂરીના હુકમો અને સહાય પત્રોનું વિતરણ પણ રાજ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દેશના નાના અને સીમાંત ખેડૂતો માટે એક આર્થિક સધ્ધરતા આપતી યોજના સાબિત થઈ રહી છે. આ યોજના અંતર્ગત ખેડૂત પરિવારોને વાર્ષિક રૂ. ૬,૦૦૦ ની આર્થિક સહાય સીધી જ તેમના બેંક ખાતામાં સમાન ત્રણ હપ્તામાં જમા કરવામાં આવે છે, જેથી તેઓ વાવણીના સમયે બિયારણ, ખાતર અને અન્ય કૃષિ સામગ્રી સરળતાથી ખરીદી શકે. ખેતીના ખર્ચમાં મદદરૂપ થઈને આ યોજના અન્નદાતાઓને દેવાના બોજમાંથી મુક્ત રાખવા અને તેમનું સામાજિક તેમજ આર્થિક સશક્તિકરણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

આ કાર્યક્રમમાં અમરેલી નગરપાલિકા પ્રમુખ શ્રી વૈશાલીબેન માંગરોળીયા, જિલ્લાના અગ્રણી શ્રી અતુલભાઈ કાનાણી સહિતના હોદ્દેદારો, જિલ્લા કલેકટર શ્રી વિકલ્પ ભારદ્વાજ, સુપર ન્યુમરરી આસિસ્ટન્ટ કલેકટર શ્રી હર્ષિતા ગોયલ, જિલ્લા વિકાસ અધિકારી (ઇ.ચા) શ્રી કે.જે.જાડેજા, જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત, નિવાસી અધિક કલેકટર શ્રી ડોડિયા, અમરેલી પ્રાંત અધિકારી શ્રી જાડેજા, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી કાનાણી, સહિતના અધિકારીશ્રીઓ,બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App