🔥 TRENDING સુરતમાં પાંડેસરા‑બમરોલીમાં નકલી પ્લાસ્... પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદ-વારાણસી એક્... સુરતમાં વીજ કટોકટીને કારણે દિવાળી રોશન... शिवपुर में गैस चूल्हा चेक करते समय लगी... દુનિયામાં આવડી મોટી ખાટલા બેઠક ક્યાંય... समकृष्ण हॉस्पिटल में मिल रहीं मल्टीस्प...
30 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

*૪૦ વર્ષ જૂનો રૂટ બંધ: અમદાવાદ-બાંસવાડા (વાયા માલપુર) બસ સેવા ચાર વર્ષથી બંધ રહેતા મુસાફરોમાં રોષ*

✍️ Reporter: Joshi Jayaprakashbhai 🗓 30 Oct 2026, 12:33 PM 👁 27
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માલપુર-બાસવાડા એસ.ટી. બસ સેવા ચાર વર્ષથી બંધ, પુનઃ શરૂ કરવા લોકમાગ તેજ

મોડાસા ડેપોના નિર્ણયથી ગ્રામીણ વિસ્તારના મુસાફરો અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં; વારંવાર રજૂઆતો છતાં બસ સેવા શરૂ ન થતાં લોકોમાં નારાજગી

અરવલ્લી: અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોને રાજસ્થાન સાથે જોડતી અમદાવાદ-બાસવાડા (વાયા માલપુર, કાલીયાકુવા, પીઠ અને સગવડા) એસ.ટી. બસ સેવા છેલ્લા ચાર વર્ષથી બંધ હોવાથી મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મોડાસા એસ.ટી. ડેપો દ્વારા સંચાલિત આ બસ સેવા વેપારીઓ, વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ માટે મહત્વપૂર્ણ પરિવહન સુવિધા સમાન હતી.

સ્થાનિક નાગરિકો અને મુસાફરો દ્વારા આ બસ સેવા ફરી શરૂ કરવા માટે મોડાસા એસ.ટી. ડેપો સહિત ઉચ્ચ કક્ષાએ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી.

સ્થાનિકોનું કહેવું છે કે આશરે ૪૦ વર્ષથી ચાલતો આ પરંપરાગત રૂટ બંધ થતાં અનેક ગામોના લોકોને અન્ય વાહનોનો સહારો લેવો પડે છે, જેના કારણે સમય અને નાણાંનો વધારાનો ખર્ચ થાય છે. બીજી તરફ રાજસ્થાન તરફ નવા બસ રૂટ શરૂ કરવામાં આવતા હોય તો માલપુર પંથકના જૂના અને મહત્વપૂર્ણ રૂટને ફરી શરૂ કરવામાં કેમ વિલંબ થઈ રહ્યો છે તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે.

આ બસ સેવા બંધ રહેવાને કારણે ખાસ કરીને વિદ્યાર્થીઓ અને રોજિંદા અપડાઉન કરતા મુસાફરોને મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોએ એસ.ટી. નિગમના સત્તાધીશોને વહેલી તકે અમદાવાદ-બાસવાડા (વાયા માલપુર-સગવડા) બસ સેવા પુનઃ શરૂ કરવા માંગ કરી છે. જો આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
📲Get App