🔥 TRENDING मेडिकल कॉलेज ने नए एमबीबीएस बैच के लिए... Siwana High School Safai karmi करणपुर धाम में 25वीं निशुल्क पदयात्रा,... पुणे जिल्ह्यातील भोर मतदारसंघात माजी आ... Ujjain Authorities Demolish 6,000 Sq F... Naseeruddin Shah Condemns BJP Over Fil...
25 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સરદાર પટેલની ૧૫૧મી જન્મજયંતીએ એકતા નગરમાં ૫૫ ઈ-બસોથી હરિત પરિવહનને વેગ

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 25 Oct 2026, 11:50 AM 👁 24
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમની મુલાકાતે આવતા પ્રવાસીઓની સુવિધા માટે એકતા નગરમાં ૫૫ ઈ-બસો દ્વારા નિઃશુલ્ક પરિવહન સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૫ જૂન, ૨૦૨૧ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એકતા નગરને દેશનું પ્રથમ ઈ-સિટી બનાવવાની દિશામાં જાહેર કરેલા વિઝનને સાકાર કરવાની દિશામાં આ પહેલ મહત્ત્વપૂર્ણ બની રહી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળ દ્વારા પર્યાવરણમિત્ર પરિવહનને પ્રોત્સાહન આપવા કચેરીના ઉપયોગ માટે ઈ-કાર, પ્રવાસીઓ માટે ઈ-રિક્ષા અને ઈ-બસ જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી છે. આ અંતર્ગત બે તબક્કામાં કુલ ૫૫ એસી ઈ-બસો કાર્યરત કરવામાં આવી છે, જેમાં ૧૨ મીટર લાંબી ૩૦ અને ૯ મીટર લાંબી ૨૫ બસોનો સમાવેશ થાય છે. આ બસો એક વખત સંપૂર્ણ ચાર્જ કર્યા બાદ આશરે ૧૮૦ કિલોમીટર સુધી દોડી શકે છે.
પ્રવાસીઓની સુવિધા સાથે સમાવેશી પ્રવાસનને પ્રાધાન્ય આપીને બસોમાં દિવ્યાંગજનો માટે ખાસ લિફ્ટિંગ સિસ્ટમની વ્યવસ્થા કરવામાં આવી છે, જેના દ્વારા બેઠકને નીચે લાવી બસમાં ચઢવા-ઉતરવાનું સરળ બને છે. મહિલાઓ માટે દરેક બસમાં ચાર અલગ પિન્ક બેઠકોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એસી સુવિધા અને નિઃશુલ્ક મુસાફરીને કારણે પ્રવાસીઓ વધુ આરામદાયક રીતે વિવિધ પ્રવાસન સ્થળોએ અવરજવર કરી શકે છે.
એકતા નગરમાં દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોવાથી પર્યાવરણનું જતન અને પરિવહન વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ બનાવવી મહત્ત્વપૂર્ણ છે. ઈ-બસોના ઉપયોગથી પરંપરાગત ઇંધણ પરની નિર્ભરતા ઘટાડવાની સાથે સ્થાનિક સ્તરે ધ્વનિ પ્રદૂષણ અને હાનિકારક એક્ઝોસ્ટ ઉત્સર્જન ઘટાડવામાં મદદ મળે છે. આમ, પ્રવાસીઓની સુવિધા અને પર્યાવરણ સંરક્ષણના સમન્વય સાથે એકતા નગર હરિત પરિવહન અને ટકાઉ પર્યટનને પ્રોત્સાહન આપવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
📲Get App