🔥 TRENDING नारदीगंज के राजकीय बुनियादी विद्यालय म... Sreeleela Joins Rajinikanth's Dharman... Haryana CM Saini orders salary cuts, t... Haryana CM Cracks Down on Gurgaon Offi... Over 45,000 Cartridges Seized in Bihar... Punjab CM Bhagwant Mann Announces Diwa...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ઝાલોદના પ્રભુતા પાર્ટી પ્લોટમાં સાતમા નોરતે ગરબાનો રંગ જામ્યો, ભક્તિ અને આસ્થાના સંગમ સાથે ખેલૈયાઓ ઝૂમ્યા!

✍️ Reporter: Pankaj Pandit 🗓 18 Oct 2026, 03:58 PM 👁 76
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઝાલોદના પ્રભુતા પાર્ટી પ્લોટમાં સાતમા નોરતે ગરબાનો રંગ જામ્યો, ભક્તિ અને આસ્થાના સંગમ સાથે ખેલૈયાઓ ઝૂમ્યા!

સ્વ. નારાયણભાઈ કલાલે શરૂ કરેલી નવરાત્રિની પરંપરાને દક્ષાબેન કલાલ અને તેમના પુત્રો દ્વારા જીવંત રખાઈ રહી છે : નવરાત્રિ સેલ્ફી પોઈન્ટ બન્યો આકર્ષણનું કેન્દ્ર

પંકજ પંડિત / ઝાલોદ

ઝાલોદ નગરમાં શારદીય નવરાત્રિના પાવન પર્વે ઠેર-ઠેર માતાજીની આરાધના, ભક્તિ અને ગરબાની રમઝટ જોવા મળી રહી છે. ત્યારે ઝાલોદના પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે સાતમા નોરતે પણ ગરબાનો રંગ જામ્યો હતો. ડી.જે.ના તાલે પરંપરાગત ગરબાની રમઝટ સાથે ખેલૈયાઓ માતાજીની ભક્તિમાં લીન બન્યા હતા. રંગબેરંગી પરિધાનમાં સજ્જ મહિલાઓ અને યુવતીઓએ ગરબાના તાલે ઝૂમીને નવરાત્રિની ખુશીઓ વ્યક્ત કરી હતી.

*સ્વ. નારાયણભાઈ કલાલે પ્રગટાવેલી ભક્તિની જ્યોત આજે પણ અખંડ*

પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે વર્ષોથી કોઈ પણ પ્રકારની જનસહાય વિના સ્વખર્ચે જાહેર નવરાત્રિ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ ધાર્મિક પરંપરાનો પ્રારંભ સ્વ. નારાયણભાઈ કલાલ દ્વારા કરવામાં આવ્યો હતો. તેમના દ્વારા શરૂ કરવામાં આવેલા આ ભગીરથ ધાર્મિક કાર્યને આજે તેમનાં પત્ની દક્ષાબેન કલાલ અને તેમના પુત્રો નિષ્ઠાપૂર્વક આગળ ધપાવી રહ્યા છે.
સ્વ. નારાયણભાઈએ પ્રગટાવેલી ભક્તિ અને આસ્થાની જ્યોતને પરિવાર દ્વારા સતત પ્રજ્વલિત રાખવામાં આવી રહી છે. વર્ષો જૂની આ પરંપરા માત્ર ગરબા ઉત્સવ પૂરતી સીમિત નથી, પરંતુ સમાજમાં ધાર્મિક ભાવના, સંસ્કાર અને સામૂહિક એકતાને મજબૂત બનાવવાનું માધ્યમ પણ બની રહી છે.

*ગરબા એટલે શક્તિની આરાધના, ભક્તિ અને સંસ્કૃતિનો અદ્ભુત સંગમ*

નવરાત્રિ એ આદ્યશક્તિ મા દુર્ગાની ઉપાસનાનું પવિત્ર પર્વ છે. નવ દિવસ સુધી માતાજીનાં વિવિધ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. ગરબો માત્ર નૃત્ય નથી, પરંતુ માતાજી પ્રત્યેની શ્રદ્ધા, સમર્પણ અને શક્તિની ઉપાસનાનું પ્રતીક છે. ગરબાની મધ્યમાં પ્રગટાવાતો દીવો શક્તિ, પ્રકાશ અને જીવનની સકારાત્મકતાનો સંદેશ આપે છે.
ઢોલ, નગારાં અને સંગીતના તાલે વર્તુળાકારે રમાતો ગરબો ગુજરાતની આગવી સાંસ્કૃતિક ઓળખ છે. ભક્તિભાવથી ભરપૂર ગરબાની રમઝટમાં લોકો પોતાની શ્રદ્ધા વ્યક્ત કરવાની સાથે પરંપરા અને સંસ્કૃતિને પણ જીવંત રાખે છે. પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે પણ આ જ ધાર્મિક ભાવના અને ઉત્સાહ સાથે નવરાત્રિ મહોત્સવની ઉજવણી થઈ રહી છે.

*મહિલાઓ માટે નિર્ભય વાતાવરણ, પરિવાર સાથે ગરબાનો આનંદ*

પ્રભુતા પાર્ટી પ્લોટના ગરબા મહોત્સવની વિશેષતા એ છે કે અહીં મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવતીઓ ગરબા રમવા માટે આવે છે. મહિલાઓ નિર્ભયતાથી ગરબાનો આનંદ માણી શકે તેવું વાતાવરણ અને ગરબા રમવા આવતી મહિલાઓના પરિવારજનો માટે બેસવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.
પરિવાર સાથે નવરાત્રિની રાત્રિઓનો આનંદ માણવા ઇચ્છતા નગરજનો માટે પ્રભુતા પાર્ટી પ્લોટ એક પસંદગીનું સ્થળ બન્યું છે. અહીં ભક્તિ, આનંદ અને પારિવારિક માહોલનો સુમેળ જોવા મળે છે, જે આ ગરબા મહોત્સવને વિશેષ બનાવે છે.

*નવરાત્રિ સેલ્ફી પોઈન્ટ બન્યો આકર્ષણનું કેન્દ્ર*

આ વર્ષે પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે ખાસ સેલ્ફી પોઈન્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જે ખેલૈયાઓ અને મુલાકાતીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ગરબાના રંગે રંગાયેલા લોકો અહીં યાદગાર તસવીરો ખેંચાવી નવરાત્રિની પળોને કેમેરામાં કેદ કરી રહ્યા છે.
સેલ્ફી પોઈન્ટના કારણે ગરબા મહોત્સવમાં એક નવું આકર્ષણ ઉમેરાયું છે. લોકો અલગ-અલગ અંદાજમાં તસવીરો અને વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે, જેના કારણે નવરાત્રિનો ઉત્સાહ ડિજિટલ માધ્યમો પર પણ જોવા મળી રહ્યો છે.

*પરંપરા જળવાઈ, ભક્તિનો રંગ વધુ ઘેરો બન્યો*

પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે ઉજવાતો નવરાત્રિ મહોત્સવ એ વાતનું ઉદાહરણ છે કે વ્યક્તિગત નિષ્ઠા અને ધાર્મિક સમર્પણથી શરૂ થયેલી પરંપરા પરિવારના સહયોગથી વર્ષો સુધી જીવંત રહી શકે છે. સ્વ. નારાયણભાઈ કલાલે શરૂ કરેલા આ ગરબા મહોત્સવને તેમનો પરિવાર સતત આગળ ધપાવી રહ્યો છે, ત્યારે સાતમા નોરતે પણ ગરબાના તાલે ઝૂમતા ખેલૈયાઓ અને માતાજીની આરાધનામાં લીન ભક્તોએ ઝાલોદમાં નવરાત્રિનો માહોલ વધુ ભક્તિમય અને ઉત્સવમય બનાવ્યો હતો.
📲Get App