🔥 TRENDING ખેલ મહાકુંભમાં સુરવા પ્રાથમિક શાળાનું... हनुमानगढ़ की पूनम गिद्वानी ने राष्ट्री... बिहार विधानसभा उपाध्यक्ष नरेंद्र नाराय... माननीय मुख्यमंत्री श्री सम्राट चौधरी ज... Bihar BSEB to Release 2027 Matric Date... Police Probe After Video Shows Alcohol...
16 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વલસાડ જિલ્લાએ કુપોષણ ઘટાડવામાં રાજ્યમાં ગ્રીન કેટેગરીમાં સ્થાન મેળવ્યું
Health

વલસાડ જિલ્લાએ કુપોષણ ઘટાડવામાં રાજ્યમાં ગ્રીન કેટેગરીમાં સ્થાન મેળવ્યું

✍️ Reporter: Makvana Chandravadan Bahadurbhai 🗓 16 Oct 2026, 05:10 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વલસાડ જિલ્લાના આઇસીડીએસ વિભાગ દ્વારા સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ અને બાળકોના પોષણ સ્તરમાં સુધારો લાવવાના પ્રયાસો રંગ લાવ્યા છે. જેના પરિણામે, જિલ્લાએ અતિ ગંભીર કુપોષિત, ઓછું વજન ધરાવતા અને ઠીંગણાપણું ધરાવતા બાળકોના પોષણ સૂચકાંકોમાં સમગ્ર રાજ્યમાં ગ્રીન કેટેગરી મેળવી છે.

દર વર્ષે ૧૬ ઓક્ટોબરે ઉજવાતા વિશ્વ ખાદ્ય દિવસે બાળકોના તંદુરસ્ત ભવિષ્ય અને માતાઓના સ્વાસ્થ્ય માટે પોષણક્ષમ આહારનું મહત્વ ઉજાગર થાય છે. બાળકના સર્વાંગી વિકાસ માટે જન્મથી જ યોગ્ય પોષણ મળે તે અત્યંત જરૂરી છે. આ દિશામાં વલસાડ જિલ્લા આઇસીડીએસ (ICDS) વિભાગ દ્વારા ધરમપુર, કપરાડા અને ઉમરગામ સહિતના વિસ્તારોમાં સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ અને બાળકોના પોષણ સ્તરમાં સુધારો લાવવા વિવિધ યોજનાઓના માધ્યમથી મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી રહી છે. આ પ્રયાસોના પરિણામે સપ્ટેમ્બર માસ દરમિયાન અતિ ગંભીર કુપોષિત, ઓછું વજન ધરાવતા અને ઠીંગણાપણું ધરાવતા બાળકોના પોષણના સૂચકાંકોમાં વલસાડ જિલ્લાએ સમગ્ર રાજ્યમાં ગ્રીન કેટેગરીમાં સ્થાન મેળવ્યું છે.

વલસાડ જિલ્લા આઈસીડીએસ વિભાગના પ્રોગામ ઓફિસર ક્રિષ્નાકુમારી પટેલ જણાવે છે કે, જિલ્લામાં કુલ ૧૯૧૬ આંગણવાડીઓ કાર્યરત છે. આ આંગણવાડીઓના માધ્યમથી ૭૪૭૪ સગર્ભા મહિલાઓ, ૫૪૭૨ ધાત્રી માતાઓ, ૨૩,૦૦૭ કિશોરીઓ અને ૦થી ૬ વર્ષ સુધીનાં ૧,૧૬,૭૮૫ બાળકોના પોષણ અને આરોગ્યની વિશેષ કાળજી લેવામાં આવે છે. બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે યોગ્ય પોષણ મળી રહે તથા સગર્ભા અને ધાત્રી માતાઓની પોષણ જરૂરિયાતો સંતોષાય તે માટે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. અતિ ગંભીર કુપોષણ ધરાવતા બાળકોને યોગ્ય પોષણ અને સમયસર સારવાર મળી રહે તે માટે પોષણ સંગમ યોજના હેઠળ સમુદાય આધારિત પોષણ વ્યવસ્થાપન કરવામાં આવે છે. આ ઉપરાંત પોષણ સંબંધિત માર્ગદર્શન અને સહાય માટે ૧૫૧૫ નંબરની પોષણ હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે.

દૂધ સંજીવની યોજના હેઠળ સગર્ભા અને ધાત્રી માતાઓને અઠવાડિયામાં બે દિવસ ૨૦૦ મિલી તથા છ મહિનાથી છ વર્ષ સુધીનાં બાળકોને અઠવાડિયામાં પાંચ દિવસ પ્રતિદિન ૧૦૦ મિલી વિટામિન ‘એ’ અને ‘ડી’થી ફોર્ટિફાઇડ ફ્લેવર્ડ દૂધ આપવાની જોગવાઈ છે. પોષણ સુધા યોજના હેઠળ સગર્ભા અને ધાત્રી માતાઓને દરરોજ બપોરે એક સમયનું પોષણયુક્ત સંપૂર્ણ ભોજન આપવામાં આવે છે. ટેક હોમ રાશન યોજના હેઠળ બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓને તેમની પોષણ જરૂરિયાતો અનુસાર માતૃશક્તિ, બાલશક્તિ અને પૂર્ણાશક્તિનાં પેકેટ આપવામાં આવે છે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ પ્રથમ વખત સગર્ભા બનેલી મહિલા અને પ્રથમ બાળકના જન્મથી બે વર્ષ સુધીની માતાને દર મહિને બે કિલો ચણા, એક કિલો તુવેરદાળ અને એક લિટર સીંગતેલ આપવામાં આવે છે.

આઈસીડીએસના પ્રોગામ ઓફિસર વધુમાં જણાવે છે કે, આંગણવાડીઓમાં બાળકોને દરરોજ આપવામાં આવતા ભોજનમાં સુપરફૂડ તરીકે સરગવાનાં પાનનો સમાવેશ કરવામાં આવે છે. બાળક દીઠ ૧૦ ગ્રામ સરગવાનાં પાન ઉમેરવાથી ભોજનનું પોષણમૂલ્ય વધારવાનો પ્રયાસ કરવામાં આવે છે. આમ, આંગણવાડી કેન્દ્રો દ્વારા આપવામાં આવતો પોષણક્ષમ આહાર, માતાઓ માટેની વિવિધ યોજનાઓ, કુપોષિત બાળકોની ઓળખ અને તેમની નિયમિત દેખરેખ જેવા સંકલિત પ્રયાસો વલસાડ જિલ્લામાં પોષણ સુધારણાને વેગ આપી રહ્યા છે. બાળકોને જીવનના શરૂઆતના વર્ષોમાં પૂરતું અને સંતુલિત પોષણ મળે તે માટે કરવામાં આવતા આ પ્રયાસો તંદુરસ્ત પેઢીના નિર્માણમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
📲Get App