🔥 TRENDING Kusal Mendis appointed new captain of... India Coach Justifies Bhuvneshwar Kuma... Ajay Devgn’s Drishyam 3 Nears Rs 400 C... Ajay Devgn Keeps Door Open for Drishya... Rajkummar Rao Defends Dada Poster Afte... Christa Pike Faces Psychological Traum...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહેસૂલી કર્મચારીઓની હડતાલ યથાવત, અનેક વિભાગોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી
Local

મહેસૂલી કર્મચારીઓની હડતાલ યથાવત, અનેક વિભાગોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી

✍️ Reporter: Dineshgiri Goshvami 🗓 09 Oct 2026, 07:14 AM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજ્યભરની કલેક્ટર, પ્રાંત અને મામલતદાર કચેરીઓમાં વર્ગ-૩ના મહેસૂલી કર્મચારીઓની હડતાલ બીજા દિવસે પણ યથાવત રહી છે. સરકાર સાથે બેઠક બાદ પણ કોઈ સમાધાન ન નીકળતાં હવે દસ્તાવેજ નોંધણી, વનકર્મીઓ અને ગ્રામસેવક સહિતના દોઢ ડઝન સંગઠનોએ પણ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

સતત બીજા દિવસે પણ રાજ્યભરની કલેક્ટર, પ્રાંત અને મામલતદાર કચેરીઓ વર્ગ-૩ના મહેસૂલી તલાટી, ક્લાર્ક, નાયબ મામલતદારો તેમજ જમીન માપણી કર્મચારીઓની આંદોલનને કારણે ખાલી રહી હતી. ગુરુવારે સાંજે મહેસૂલી કર્મચારી સંગઠનના હોદ્દેદારો અને સરકારમાં મંત્રીઓ, સચિવોની વચ્ચે પડતર પ્રશ્નો ઉકેલવા બેઠક મળી હતી. જેમાં કોઈ સમાધાન ન થતાં હડતાલ યથાવત રહી છે.

માત્ર મહેસૂલી કર્મચારીઓ જ નહીં, ગ્રેડ-પે સહિતની પડતર માંગણીઓ મુદ્દે હવે દસ્તાવેજ નોંધણી તંત્રના કર્મચારીઓ, વનકર્મીઓ અને ગ્રામસેવક સહિતના દોઢ ડઝન કર્મચારી સંગઠનોએ પોતાના પડતર પ્રશ્નો મુદ્દે આવનારા એક મહિનામાં આંદોલન કરવાની ચીમકીઓ ઉચ્ચારી છે. બીજી તરફ મહેસૂલી કચેરીઓ સળંગ બીજા દિવસે પણ ખાલી રહેતા આવકના દાખલા, ખેડૂત ખરાઈ, જમીન વેચાણની નોંધ, બીન ખેતી, રેશનકાર્ડ, પેન્શન સહિતના સરકારી કામો માટે આવેલા અરજદારોને ધક્કો પડ્યો હતો. જામનગર, અમદાવાદ, સુરત, વડોદરા જેવા જિલ્લાઓમાં તો સામાન્ય નાગરિકો દ્વારા કર્મચારીઓ પૈસા લીધા વગર કામ નથી કરતા તેવા આક્ષેપો શરૂ થતા હોહા મચી છે. અલબત્ત જમીન માપણી તંત્રના કર્મચારીઓએ આંદોલન સમેટવાની જાહેરાત કરી છે. જ્યારે મહેસૂલી તંત્રના તલાટી, ક્લાર્ક અને નાયબ મામલતદારો ગ્રેડ-પે વધારવા, બઢતી અને બદલી સહિત અન્યાયને દૂર કરવાની માંગણી પર અડીખમ છે.

સાગમટે મહેસૂલી તંત્રમાં વર્ગ-૩ની ચારેય કેડરના ૧૦ હજારથી વધારે કર્મચારીઓની હડતાલને પગલે ગુરુવારે સાંજે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી અને મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહીડા, અધિક મુખ્ય સચિવ- ACS ડૉ.જયંતિ રવિ સહિતના સેક્રેટરીઓએ સંગઠનના હોદ્દેદારોની સાથે બેઠક યોજી હતી. હોદ્દેદારોના દાવા મુજબ પડતર પ્રશ્નો ઉકેલવા સરકાર પક્ષેથી હકારાત્મક વલણ સાથે લંબાણ પૂર્વકની ચર્ચા છે પરંતુ, કોઈ નક્કર પરિણામ મળ્યું નથી. આથી શુક્રવારે પણ હડતાલ યથાવત રહેશે. શુક્રવારે બીજા તબક્કે સરકાર સાથે બેઠક બાદ સંતોષજનક ખાતરી મળ્યે આંદોલન સમેટવા અંગેનો નિર્ણય કરાશે.

મહેસૂલ વિભાગે તાજેતરમાં કલમ ૧૩૫-ડીની નોટીસને નિરસ્ત કરીને એક જ દિવસમાં જમીન વેચાણ સહિતના ફેરફાર નોંધ મંજૂર કરવા કાયદામાં સુધારો કર્યો છે. બીનખેતી- NAની પ્રક્રિયા સેન્ટ્રલાઈઝ કરીને મામલતદાર (વર્ગ-૨)ની કક્ષાએ અધિકારો સોંપ્યા છે. ટુકડા ધારામાં વહીવટી ગૂંચવણ ઉકેલવા કાયદો સુધાર્યો છે. મધ્યાહ્ન ભોજનમાં કલેક્ટરને આધિનસ્થ પુરવઠા તંત્રમાં કામગીરીનું મહત્વ ઘટ્યું છે. હોટલ આહાર માટે મહેસૂલી પરમિટ બંધ થઈ છે. અને જમીનની માપણીમાં સર્વેયરોને જિલ્લાને બદલે તાલુકામાં જવું પડ્યું છે. આ અનેક સ્થિતિ બદલાયા પછી મહેસૂલી સંવર્ગની ચારેય કેડરમાં ગ્રેડ-પે અર્થાત પગાર વધારાની માંગણી બૂલંદ થઈ છે. માત્ર મહેસૂલી કર્મચારીઓ જ નહીં, તેમના પગલે બિન સચિવાલય અને પોલીસ કારકૂનથી લઈ ૧૮ જેટલા સંવર્ગોમાં ગ્રેડ-પે વચ્ચે રહેલી વિસંગતતા દૂર કરવાની માંગણીઓ ઉઠી છે. આંદોલનની ચીમકીઓ સરકારને મળી છે.

અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મહેસૂલ કર્મચારીઓએ ધરણાં યોજ્યાં હતાં. ધરણાં સાથે સફાઈ કાર્યક્રમ પણ યોજ્યો હતો. કર્મચારીઓએ આખો દિવસ ધરણાં યોજી અને રામધૂન બોલાવી વિરોધ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ કલેક્ટર કચેરીમાં જમીન અને પ્રમાણપત્રોના કામકાજ અર્થે આવેલા અરજદારોને આજે પણ ધક્કો ખાવાનો પડ્યો હતો. અરજદારોએ રોષ વ્યક્ત કર્યો હતો કે, જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા કામકાજ માટે વૈકલ્પિક કે કામચલાઉ વ્યવસ્થા કરવી જોઈએ.
📲Get App