🔥 TRENDING Day 2 of Save Democracy March Sparks C... Search query “tinovillage” recorded on... Mohsin Khan Ties the Knot in Private C... IMD Issues Rain Alerts for Himachal, U... Delhi Metro voice artist takes grandso... Madhya Pradesh Experiences Sudden Weat...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલીમાં પૂર્વ સૈનિકો, દિવંગત સૈનિકોના પરિવારજનો અને શહીદોના આશ્રિતોનું સંમેલન યોજાયું

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 05 Oct 2026, 09:03 AM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલીમાં પૂર્વ સૈનિકો, દિવંગત સૈનિકોના પરિવારજનો અને શહીદોના આશ્રિતોનું સંમેલન યોજાયું

સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયાએ શહીદ સૈનિકો અને પૂર્વ સૈનિકોના પરિવારજનોના કલ્યાણ માટે પોતાના એક માસના રૂ. ૨.૨૮ લાખના પગારની પ્રોત્સાહક રકમ આપવાની કરી જાહેરાત

અમરેલી, તા. ૦૪ ઓક્ટોબર, અમરેલી જિલ્લાના તમામ તાલુકામાં વસવાટ કરતા પૂર્વ સૈનિકો, દિવંગત સૈનિકોના પરિવારજનો, શહીદ સૈનિકોના ધર્મપત્નીઓ તથા તેમના આશ્રિતોનું સંમેલન જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, અમરેલી ખાતે યોજાયું હતું. જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, રાજકોટ દ્વારા આયોજિત પૂર્વ સૈનિક સંમેલનમાં સાંસદશ્રી ભરતભાઈ સુતરિયા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સાંસદશ્રી ભરતભાઈ સુતરિયાએ પૂર્વ સૈનિકો અને તેમના પરિવારજનોને બિરદાવતાં જણાવ્યું હતું કે, “દેશના એક નાગરિક તરીકે હું શાંતિથી ઊંઘી શકું છું તેનું કારણ સરહદ પર દેશની સુરક્ષા માટે લડતા વીર જવાનો છે. સેનાના જવાનો પોતાના પરિવારથી દૂર રહીને દેશની સુરક્ષા કાજે સરહદ પર ૩૬૫ દિવસ ફરજ બજાવે છે. તેમની આ સેવા સર્વોચ્ચ ત્યાગ અને બલિદાનનું પ્રતીક છે. એક સૈનિક શહીદ થાય ત્યારે તેના પરિવાર પર શું વિતે છે તેની હું લાગણીપૂર્વક અનુભૂતિ કરું છું અને તેથી જ હંમેશાં આપના દુઃખમાં સહભાગી થવા તત્પર છું.”

સાંસદશ્રી ભરતભાઈ સુતરિયાએ શહીદ સૈનિકો અને પૂર્વ સૈનિકોના પરિવારજનોના કલ્યાણ માટે તેમના સાંસદ તરીકેના એક માસના રૂ. ૨.૨૮ લાખના પગારની રકમ પ્રોત્સાહક અનુદાન તરીકે આપવાની જાહેરાત કરી હતી. સાથે જ ભવિષ્યમાં પૂર્વ સૈનિકો તેમજ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીને કોઈપણ પ્રકારના સહયોગની જરૂરિયાત જણાય તો સહયોગ આપવાની નેમ વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજે પૂર્વ સૈનિકો અને તેમના પરિવારજનોને કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો જિલ્લા વહીવટીતંત્રનો સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પૂર્વ સૈનિકો અને તેમના પરિવારજનોના પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લા વહીવટીતંત્ર પ્રતિબદ્ધ છે.

કાર્યક્રમ દરમિયાન એન.સી.સી.ના કેડેટ્સ દ્વારા વીર જવાનોના જીવન અને શૌર્યગાથાને વર્ણવતી નાટ્ય પ્રસ્તુતિ કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે અનુદાન આપનાર દાતાશ્રીઓ શ્રી રોહિતભાઈ ચોવટિયા અને શ્રી દિનેશભાઈ ભુવાનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ વર્ષ ૧૯૬૧, ૧૯૬૫ સહિતના ત્રણ યુદ્ધોમાં ભાગ લેનારા વરિષ્ઠ પૂર્વ સૈનિક શ્રી વિનોદભાઈ મહેતાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, રાજકોટના અધિકારીશ્રી પનવકુમાર, ગુજરાત રાજ્ય સૈનિક કલ્યાણ બોર્ડના નિયામકશ્રીની કચેરીના પ્રતિનિધિશ્રી દિનેશભાઈ રાબડિયા, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના એમ.ઓ.યુ. કો-ઓર્ડિનેટરશ્રી નીતાબહેન દેસાઈ, જિલ્લા યોગ કો-ઓર્ડિનેટરશ્રી સાગરભાઈ મહેતા સહિત પૂર્વ સૈનિકો તથા તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App