🔥 TRENDING BCCI Secretary Announces IPL Mini Auct... સુરતમાં રાંદેર પોલીસે ૧૦.૫ કિલો ગાંજા... Husband and Son Arrested in Connection... Kanpur businessman murder case: Son ar... Kanpur murder case: Husband arrested a... Second Golf Course Road crash case fac...
25 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલીમાં કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ ભમરડો અને ખો-ખો રમત રમી બાળપણ યાદ કર્યું; વિદ્યાસભાના રમતવીરોનો ઉત્સાહ વધાર્યો

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 25 Sep 2026, 09:20 AM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલીમાં કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ ભમરડો અને ખો-ખો રમત રમી બાળપણ યાદ કર્યું; વિદ્યાસભાના રમતવીરોનો ઉત્સાહ વધાર્યો

વિસરાતી જતી પરંપરાગત રમતો જીવંત કરવાનો અનોખો પ્રયાસ : અમરેલી વિદ્યાસભામાં વિવિધ રમત-ગમત કાર્યક્રમમાં સહભાગી બનતા રાજ્યમંત્રી શ્રી વેકરીયા

અમરેલી તા. ૨૪ સપ્ટેમ્બર
આજરોજ ગુજરાત રાજ્યના કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ અમરેલી સ્થિત વિદ્યાસભા સંકુલની મુલાકાત લીધી હતી. અહીં યોજાયેલા વિવિધ વારસાઇ અને વિસરાતી જતી પરંપરાગત રમતોના વિશેષ કાર્યક્રમમાં તેમણે મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. રાજ્યમંત્રીશ્રીએ મેદાન પર ઉતરીને તમામ રમતવીરો સાથે સીધો સંવાદ સાધ્યો હતો અને રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે તેમનો ઉત્સાહ બમણો કર્યો હતો. આ તકે સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા પણ સાથે જોડાયા હતા.

કાર્યક્રમ દરમિયાન રાજ્યમંત્રીશ્રીએ માત્ર હાજરી જ નહોતી આપી, પરંતુ પોતે એક ઉત્સાહી ખેલાડી બનીને બાળકો સાથે બાળપણની યાદો તાજી કરી હતી. તેમણે ભમરડો ફેરવવો, લખોટા રમત, રસ્સાખેંચ, અને શૂટિંગ જેવી આધુનિક અને વિસરાતી જતી રમતોમાં કૌશલ્ય અજમાવ્યું હતું. આ ઉપરાંત ખોખો, હોકી, ક્રિકેટ અને દોડ જેવી લોકપ્રિય રમતોમાં પણ બાળકો સાથે સક્રિયપણે ભાગ લઈને ઉષ્માસભર સમય વિતાવ્યો હતો, જે જોઈને સમગ્ર સંકુલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું.

આ પ્રસંગે રમતોનું મહત્વ સમજાવતા રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, પરંપરાગત રમતો માત્ર મનોરંજન નથી, પરંતુ તે આપણા ભવ્ય વારસાનો એક અગત્યનો ભાગ છે, જે બાળકોમાં સામૂહિક ભાવના, એકાગ્રતા અને નેતૃત્વ જેવા ગુણો વિકસાવે છે. આજના ડિજિટલ યુગમાં મોબાઈલ સ્ક્રીનથી દૂર રહીને મેદાન પર પરસેવો પાડવો એ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે અત્યંત અનિવાર્ય છે. વિદ્યાસભા સંકુલનો આ પ્રયાસ આવનારી પેઢીને પોતાની જડ સાથે જોડી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

વધુમાં, મંત્રીશ્રીએ આ આયોજનને દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના 'ફિટ ઇન્ડિયા મુવમેન્ટ' (Fit India Movement) અભિયાન સાથે સાંકળ્યું હતું. તેમણે ઉમેર્યું કે, 'ફિટ ઇન્ડિયા'ના સંકલ્પને સિદ્ધ કરવા માટે આપણી આ દેશી અને સનાતન રમતો સૌથી મોટું માધ્યમ છે. જ્યારે દેશનો યુવાન ફિટ અને તંદુરસ્ત રહેશે, ત્યારે જ સશક્ત ભારતનું નિર્માણ શક્ય બનશે. શાળાના બાળકો અને યુવા રમતવીરો શારીરિક પ્રવૃત્તિઓને પોતાની દિનચર્યાનો ભાગ બનાવે તે જ આ મુવમેન્ટનો સાચો ટેકો છે.

આ રમત-ગમત કાર્યક્રમમાં અમરેલી નગરપાલિકા પ્રમુખ શ્રી વૈશાલીબેન માંગરોળીયા, સભ્યશ્રીઓ, અમરેલી શહેરના વિવિધ હોદ્દેદારશ્રીઓ, વિદ્યાસભા સંકુલ સ્ટાફ સહિત બાળકો પણ ઉત્સાહભેર જોડાયા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
📲Get App