🔥 TRENDING ਝਾੜੂ ਵੱਲੋਂ ਰੱਖੇ ਗਏ ਨੀਹ ਪੱਥਰ ਤੋਂ ਇੱਕ ਸਾ... अलीगढ़ धरना प्रदर्शन અમરેલીમાં કુંવર ગણેશજી દિવસ ત્રીજા દિવ... અમરેલીના કેરાળા ગામમાં ત્રણ સભ્યો ઝેરી... Bollywood Hungama Launches Akshat 11 W... Susanne Bier Highlights Theatrical Exp...
15 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભેટાવાડામાં કેમિકલયુક્ત પાણીનો મુદ્દો ગરમાયો; બુટભવાનીપરામાં ઘરોમાં પાણી ભરાતા લોકો રસ્તા પર ઉતર્યા

✍️ Reporter: ભાવિક મકવાણા 🗓 15 Sep 2026, 09:17 AM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મામલતદાર-ચીફ ઓફિસરની ગાડી રોકી વિરોધ

ભેટાવાડા ગામમાં કેમિકલયુક્ત પાણી મુદ્દે ભડકો, વરસાદ વચ્ચે પાળો તોડવા ગયેલા તંત્રનો ગ્રામજનોએ ઘેરાવ

ધોળકા: ધોળકા પંથકમાં ધોધમાર વરસાદ વચ્ચે વરસાદી પાણી સાથે ગંદા પાણીની સમસ્યા ગંભીર બની છે. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન થતાં ત્રાસદ ગામ નજીકના બુટભવાનીપરા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં કેડસમા પાણી ભરાઈ ગયા હોવાની સ્થાનિકોએ ફરિયાદ કરી છે.

ધોળકા શહેરના દેવવૃંદ સોસાયટી, સાનિધ્ય સોસાયટી અને શિવમ સોસાયટી સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને બુટભવાનીપરામાં પાણી ભરાતા સ્થાનિક રહીશોમાં રોષ ફાટી નીકળ્યો હતો. તાત્કાલિક પાણીનો નિકાલ કરવાની માગ સાથે મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો રસ્તા પર ઉતરી આવ્યા હતા.

બે JCB અને પોલીસ કાફલા સાથે તંત્ર પહોંચ્યું

પાણીના નિકાલ માટે ભેટાવાડા નજીક ગ્રામજનોએ બાંધેલો પાળો તોડવાની કામગીરી કરવા તંત્ર બે JCB મશીન અને પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચ્યું હતું. જોકે, પાળો તોડવાની કામગીરીનો ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. વિરોધમાં લોકો રસ્તા પર બેસી જતા ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઈ હતી.

મામલતદાર અને ચીફ ઓફિસરની ગાડી રોકી

બીજી તરફ, બુટભવાનીપરામાં પાણી ભરાવાથી પરેશાન રહીશો પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. રોષે ભરાયેલા ગ્રામજનોએ ધોળકા મામલતદાર તથા નગરપાલિકાના ચીફ ઓફિસરની ગાડી રોકી વિરોધ નોંધાવ્યો હતો.

ગ્રામજનોએ ઉગ્ર રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, “પાણીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી અધિકારીઓને અહીંથી જવા દેવામાં નહીં આવે.” પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા અને તાત્કાલિક પાણીનો નિકાલ કરવાની માગ સાથે ગ્રામજનોએ તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.

વરસાદી પાણી સાથે ગંદા અને કેમિકલયુક્ત પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોમાં લાંબા સમયથી નારાજગી હોવાનું પણ સામે આવ્યું છે. હાલ પાળો તોડવાની કામગીરી અને પાણીના નિકાલને લઈને ગ્રામજનો તથા તંત્ર વચ્ચે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે.
📲Get App