🔥 TRENDING भारत आदिवासी पार्टी नेता पर भाजपा के द... BCCI Names India and India A Squads fo... India Names New Zealand T20I Squad, Fa... BCCI Names Smriti Mandhana New Captain... The Times of India Announces Launch of... Prithviraj Sukumaran’s ₹45‑crore Onam...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભાવનગરમાં એસ.ટી.

ભાવનગરમાં એસ.ટી.

✍️ Reporter: Anil Vaghela 🗓 31 Aug 2026, 09:46 PM 👁 78
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભાવનગરમાં એસ.ટી. બસનો કાળ બનીને અકસ્માત: માતા-પુત્રીનાં મોત, મહિલા ગંભીર

ભાવનગર શહેરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડ બહાર આજે સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. સિહોર-ટાણા-વરલ રૂટની એસ.ટી. બસ બસ સ્ટેન્ડના મુખ્ય ગેટમાંથી બહાર નીકળતી વખતે અચાનક બેકાબૂ બની ફૂટપાથ પર ચડી ગઈ હતી. ત્યારબાદ બસ ભરૂચા ક્લબની દીવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. બસની અડફેટે ફૂટપાથ પર બેઠેલાં માતા-પુત્રી સહિત ત્રણ મહિલાઓ આવી હતી.

આ અકસ્માતમાં સિહોર તાલુકાના રામધરી (સણોસરા) ગામના લલીતાબેન ગુલાબસિંહ પરમાર (ઉં.વ. ૨૮) અને તેમની સાત વર્ષની પુત્રી સોનિયાબેનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે ઠોડા, તા. ઉમરાળાના મધુબેન લાલજીભાઈ વાઘેલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

મળતી માહિતી મુજબ લલીતાબેન અને તેમની પુત્રી અંગત કામ માટે ભાવનગર આવ્યા હતા. કામ પૂર્ણ કર્યા બાદ તેઓ પરત ગામ જવા માટે એસ.ટી. બસ સ્ટેન્ડ બહાર ફૂટપાથ પર બેસીને વાહનની રાહ જોઈ રહ્યા હતા. દરમિયાન સિહોર-ટાણા-વરલ રૂટની બસ અચાનક કાબૂ બહાર જતાં ફૂટપાથ પર ચડી ગઈ હતી અને ત્યાં બેઠેલા લોકોને અડફેટે લીધા હતા.

અકસ્મતના પગલે આસપાસના વેપારીઓ, રાહદારીઓ અને બસ સ્ટેન્ડ પર હાજર લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત મધુબેનને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો. અકસ્માતના કારણે સર્જાયેલા ટ્રાફિક જામને દૂર કરવા ક્રેનની મદદથી ક્ષતિગ્રસ્ત બસને હટાવવામાં આવી હતી. પોલીસે માતા-પુત્રીના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બસનો અકસ્માત બ્રેક ફેલ થવાને કારણે થયો કે ડ્રાઇવરના કાબૂ ગુમાવવાને કારણે, તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. એક જ પરિવારના માતા અને માસૂમ પુત્રીના મોતથી રામધરી (સણોસરા) ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
📲Get App