🔥 TRENDING કોડીનાર ઉના હાઇવે પર અકસ્માત સર્જાયું સાવરકુંડલા-મહુવા રોડ પર ટ્રાફિક જમાવટ... Rising Mandakini River Submerges Homes... BCCI Announces Six Duleep Trophy 2026-... West Bengal tallies tourist arrivals,... Bihar STET 2026 Registration Closes To...
31 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરમગામ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી એ વિરમગામ થી વિદાય લેતા સમયે તેમના દ્વારા ઉચ્ચારવામાં આવેલ શબ્દો

વિરમગામ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી એ વિરમગામ થી વિદાય લેતા સમયે તેમના દ્વારા ઉચ્ચારવામાં આવેલ શબ્દો

✍️ Reporter: Gilani Asikali 🗓 31 Aug 2026, 05:52 PM 👁 2
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બાય બાય વિરમગામ નગરપાલિકા વેલકમ ચોટીલા નગરપાલિકા

બાય બાય વિરમગામ કહેતા પહેલા મારા સાડા ત્રણ વર્ષ જેટલા વિરમગામ નગરપાલિકા ખાતે ચીફ ઓફીસર તરીકેની કામગીરીની થોડી વાત કરવી છે.
સરકારશ્રીએ મારી વિરમગામ નગરપાલિકા ખાતેથી ચોટીલા નગરપાલિકા ખાતે બદલી કરી છે. આજ રોજ હવે વિરમગામ ખાતેથી ચાર્જ છોડીને ચોટીલા જવાનું થયું છે. વિરમગામ ખાતે જયારે હું ચીફ ઓફીસર તરીકે ફરજ પર આવ્યો ત્યારે અહીં વિકાસની ઘણી તકો અને કામગીરીનો મોટો સ્કોપ જોવા મળ્યો. મનોમન નકકી કરેલું કે આ શહેરને ધબકતું કરવા માટે કંઇક તો કરવું છે. આ શહેરને જોઇને એવું પ્રથમ વિચારે પ્રતિત થયેલું કે આ શહેરની ભૂતકાળમાં સારી એવી જાહોજલાલી અને મહત્વ હશે. આ મહત્વને પુનઃ સ્થાપિત કરવાની નેમ અને મકકમ નિર્ધાર સાથે એક પછી એક કામગીરી શરૂ કરેલ. આ શહેરની તાસીરથી વાકેફ થવામાં મને બહું વાર ન લાગેલી કારણ કે હું અગાઉ પણ ૧૦ માસ માટે આ શહેરમાં ફરજ બજાવી ચુકેલો.
શહેરના વિકાસ માટે કામગીરી અને આયોજન કરવા અને શહેરને ફરીથી ધબકતું કરવા માટે માન. ધારાસભ્યશ્રી અને ચુંટાયેલ જન પ્રતિનિધીઓ સાથે ચર્ચા કરી. સરકારશ્રીની જે ગ્રાન્ટ મળે છે તેનું નકકર આયોજન થાય અને નાગરીકોને પાયાની સુવિધાઓ મળી રહે તે માટે નિર્ણય કરવામાં આવ્યા. મારા માટે સૌથી મોટો પડકાર ઉભરાતી ગટરો હતી. એક પછી એક વિસ્તારમાં ગટરના નાના મોટા પ્રશ્નો હતા, પાઇપ લાઇન નાખવાની હતી, બંધ પંમ્પીંગ શરૂ કરવાના હતા, ભૂગર્ભ ગટર ફેઝ-૩ ની કામગીરી પુર્ણ કરાવવાની હતી તે તમામ કામ ચુંટાયેલ જન પ્રતિનિધીઓ સાથે રહીને પુરા કર્યા. તે પછી પણ ખુટતી બાબતો આવરી લઇને ભૂગર્ભ ગટરનો ફેઝ-૪ સરકારશ્રીને તૈયાર કરીને મંજુરી માટે મોકલી આપેલ છે. હાલમાં ઘણા બધા ગટરના પ્રશ્નોનું નિરાકરણ આવેલ છે. પંમ્પીંગનું પાણી તળાવ કે ખુલ્લી કેનાલમાં છોડવામાં આવતું હતું તે બંધ કરાવીને એસ.ટી.પી સુધી લઇ જવાની કામગીરી કરવાથી શહેરની મધ્યમાંથી પસાર થતી ઓપન કેનાલ હાલ સાફ લાગે છે તેનો આનંદ છે.
શહેરના પ્રવેશના મુખ્ય માર્ગો સરકારી રેકર્ડ પર તો પહોળા છે, પરંતું દબાણોના કારણે માર્ગ સાંકડા થઇ ગયા છે. આ બાબત ધ્યાને તો હતી પણ આટલા બધા દબાણ દુર કરવા તેમાં પણ ૨૫૦ જેટલા મકાનો હતા. આટલા મોટા દબાણો તોડવાની કામગીરી કયારેય કરેલી નહીં, પરંતું વિરમગામ માટે કોઇ જુનો નાતો હશે તેમ લાગ્યું અને નકકી કર્યું કે શહેરના પ્રવેશ માર્ગ ગંગાસરથી મુનસર તળાવ, રૈયાપુરથી ભરવાડી દરવાજા, લાકડી બજાર આવા શહેરના રોનક અને ગર્વ સમાન પહોળા રસ્તાઓ ખુલ્લા કરીને પહોળા કરવા મકકમ નિર્ધાર કર્યો. વિરમગામ શહેર અમદાવાદના હાથ-પગ કહેવાય તેમ છતાંય વિકાસથી વંચિત હતું. નગરપાલિકાનો એક પણ માર્ગ ડીવાઇડર અને સ્ટ્રીટલાઇટ વાળો ન હતો. વિરમગામ માટે આ એક મેણું હતું તે મેણું ભાગવાનું હતું. તેથી એક પછી અકે દબાણો દુર કરીને રૈયાપુરથી ભરવાડી દરવાજા, ગંગાસરથી મુનસર, વડવાળા સર્કલથી મચ્છીપીર દરગાહ, મુનસર તળાવથી ગાયત્રી મંદિર આ રસ્તાઓ ડીવાઇડર અને સ્ટ્રીટલાઇટ સાથેના બને તે માટે આયોજન કર્યા અને હાલ આ કામગીરી ચાલી રહેલ છે.
વિરમગામનો ઐતિહાસિક ગઢ પુનઃ સ્થાપિત થાય અને નાગરીકો ગઢ જોઇને ગર્વ લઇ શકે તે માટે પુનઃ સ્થાપનાનું કામ શરૂ કરેલ છે. પ્રથમ તબક્કામાં હાલ રૈયાપુરથી ભરવાડી દરવાજા સુધીની કામગીરી ચાલી રહેલ છે. વિકાસની વાત વચ્ચે વિરમગામની શાન સમા ગોલવાડી દરવાજા અંદર આવેલ ટાવરને કેમ ભુલાય. આ ટાવરને એક ભવ્ય રંગરૂ૫ સાથે ફરીથી દિવાદાંડીની જેમ શહેરના નાગરીકોને રસ્તો બતાવતું કર્યું. ટાવરમાં વાંચનાલય અને ખાસ તો સરકારી પરીક્ષાઓની તૈયારી કરનારા ઉમેદવારો માટે અલગ બેઠક વ્યવસ્થા સાથેની સગવડ પણ કરવામાં આવી છે. શહેરની શોભા એવા શહીદ બાગની સ્થિતી કઇં સારી ન હતી. તેથી શહીદબાગને તેની રોનક પાછી મળે અને વિરમગામને ગર્વ થાય તે રીતે બગીચાની કામગીરી કરી. હાલ મોટી સંખ્યામાં બાળકો અને નાગરીકો બગીચામાં જઇને આનંદિત થાય છે તે જોઇને મને પણ સરકારી નોકરી કર્યાનો સંતોષ થઇ રહયો છે.
મુળ શહેરની સાથે સાથે નવા વિકાસ પામી રહેલ પંચમુખી હનુમાન દાદાની ચોકડી વાળા વિસ્તારમાં પણ વિકાસ કરવામાં આવેલ છે. ઝાલાવાડી સોસાયટી પાછળ એક વિશાળ તળાવમાં વિકાસનું કામ આકાર લઇ રહેલ છે. જે પુર્ણ થયેથી સોસાયટીના નાગરીકોને તેનો મોટો ફાયદો થશે. જીગર સોસાયટી આગળ ગંદકી થઇ હતી તે દુર કરીને અઇકોનિક રોડ બનાવવામાં આવ્યો. રાત્રિના સમયે સોસાયટીના રહીશો નિરાંતે બેસીને આનંદ લઇ રહેલ છે.
નવિન આયોજનમાં મધુસુદન સોસાયટી આગળ, લક્ષ્મીબાગ આગળ, જુની નગરપાલિકાની બાજુમાં બગીચા માટે આયોજન કરેલ છે. જે કામ પુર્ણ થશે એટલે નાગરીકોને વધારે સુવિધાઓ મળશે અને શહીદબાગ સુધી આવવું નહીં પડે. મુનસર તળાવ વિકાસ, બાકી રહેલ ગઢના વિકાસની કામગીરી, ગંગાસર તળાવ સાથે કનેકટેડ બીજા ૨ તળાવનો વિકાસ અને વરસાદી પાણી નિકાલનું આયોજન, રૈયાપુર ત્રણ રસ્તાથી રૈયાપુર દરવાજા ગંગાસર તળાવ પર બ્રિજ, નવિન પાણીની લાઇન અને સ્ટોરેજ કેપેસીટી, પાણી શુધ્ધિકરણનો પ્લાન્ટ આવા નવા પ્રોજેકટ પણ આવનાર દિવસોમાં આકાર લેશે તેવું આયોજન કરેલ છે. ગોલવાડી દરવાજા અને ભરવાડી દરવાજા અંદર રાત્રિના સમયે બજાર ચાલું થાય તે માટે લાઇટીંગની વ્યવસ્થા માટેનું આયોજન કરેલ છે. વરસાદી પાણીના નિકાલ માટે જરૂરી જગ્યાઓ પર પાઇપ લાઇન નાખવાના આયોજન કરવામાં આવેલ છે. એપીએમસી આગળ લાકડી બજાર અને શાક માર્કેટ માટે પણ આયોજન કરવામાં આવેલ છે. આવા આયોજન માટે માન.ધારાસભ્યશ્રી તરફથી મળેલ માર્ગદર્શન અને ચુંટાયેલ જન પ્રતિનિધિઓના સલાહ સુચનો અને રજુઆતો ધ્યાને લઇને નિર્ણય થયા છે. નગરને હરિયાળું કરવા માટે અર્બન ફોરેસ્ટ અને અર્બન ગ્રીન એવા પ્રોજેકટ હાથ ધરેલ છે. નગરમાં સુંદરતામાં વધારો થાય તે માટે પેઇન્ટીંગ અને ચિત્રો દોરવા માટેના કામો પણ લેવામાં આવેલ છે. આ રીતે નાગરીકોની સુખાકારીમાં વધારો થાય તેવા તમામ પ્રયત્નો અને આયોજનો કરવામાં આવેલ છે. નગરપાલિકા દ્વારા નગર રચના યોજના- ૨ અને ૩ અમલમાં મુકેલ છે. તેનાથી વિવિધ જગાઓનો વિકાસ થશે. નવિન રોડ રસ્તા બનશે અને નગરપાલિકાને બગીચા, ટાઉન હોલ, પાણીના સં૫ અને ટાંકીઓ જેવા નાગરીકોની સુખાકારી માટેના ફાઇલન પ્લોટ મળશે.
વિરમગામ ખાતેની મારી ફરજ દરમિયાન મને માન. ધારાસભ્યશ્રી, નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, ચુંટાયેલ તમામ સદસ્યશ્રીઓ, વેપારીઓ, પત્રકારશ્રીઓ અને નાગરીકો તરફથી સારો એવો સહકાર મળેલ છે. આવા અદ્વીતિય અને અદભુત સહકારના કારણે થોડાઘણા કામો કરી શકયો છું. કુશળ અને અનુભવી કર્મચારીઓનો અભાવ, અપુરતું મહેકમ, ઓછી સાધન સામગ્રી સાથે જેટલું મહત્તમ કામ થઇ શકે તે રીતે કામગીરી કરવા પ્રયત્ન કરેલ છે. જેમાં નગરપાલિકાના ઇજનેર, સેનેટરી ઇન્સપેકટર, જુનીયર નગર નિયોજક, પ્લાનિંગ આસીંસ્ટન્ટ , ફાયરની ટીમ તેમજ નગરપાલિકાના તમામ રોજમદારથી લઇ કાયમી કર્મચારીઓને સાથ સહકાર આપીને સમય જોયા વગર કામગીરી કરેલ છે.
છેલ્લે વિરમગામના તમામ નાગરીકો, પદાધિકારીશ્રીઓ, નગરપાલિકાના કર્મચારીઓ, પત્રકારશ્રીઓ આ તમામનો સહકાર બદલ આભાર માનું છું અને મારાથી કામગીરીમાં નાનીમોટી ક્ષતિ હોય કે કોઇ કામગીરી વિલંબથી થયેલ હોય કે કામગીરી ના થઇ શકી હોય તો તે બદલ દિલથી ક્ષમા માગું છું.
તારીખ- ૩૧-૮-૨૦૨૬
(જયેશ પટેલ)
ચીફ ઓફીસર
વિરમગામ નગરપાલિકા
રિપોર્ટર
આસિકઅલી ગીલાણી
વિરમગામ
📲Get App