🔥 TRENDING ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રા... अपराध समीक्षा गोष्ठी में कानून-व्यवस्थ... ABP Majha News Update Maharashtra Sees 36,211 Company Closur... Maharashtra Retains Govt Housing UP Boosts Local Production
14 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ કાર્યક્રમ યોજાયો

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 14 Aug 2026, 10:14 PM 👁 3
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ કાર્યક્રમ યોજાયો

વિભાજન વિભીષિકાના દર્દમાંથી શીખ લઈ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવવાનો સંકલ્પ કરીએ: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી


વિભાજન વિભીષિકાના ભોગ બનેલા લાખો નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ આપવી આપણી નૈતિક ફરજ છે

ઈતિહાસ, ત્યાગ અને બલિદાનનું સન્માન કરવું એ મજબૂત રાષ્ટ્રના નિર્માણનો પાયો છે

:
વિભાજનની પીડા અને દિવંગતોના સન્માનમાં ૨ મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ આધારિત વિશેષ નાટ્ય પ્રસ્તુતિ કરાઈ

અમરેલી, ૧૪ ઓગસ્ટ

અમરેલી ખાતે આવતીકાલે ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણી થવાની છે ત્યારે સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ ભારત દેશના વિભાજન દરમિયાન નાગરિકોએ ભોગવેલા અસહ્ય સંઘર્ષ, યાતનાઓ અને તેમણે આપેલા બલિદાનોની સ્મૃતિમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમના પ્રારંભે રાજ્યપાલશ્રી તથા મુખ્યમંત્રીશ્રી સહિત તમામ મહાનુભાવોએ વિભાજનના પીડિતો અને દિવંગતોના માનમાં ૨ મિનિટનું મૌન પાળી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

કાર્યક્રમમાં સંબોધન કરતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી એ જણાવ્યું હતું કે, ૧૯૪૭ના ભાગલા વખતે થયેલા અમાનવીય અત્યાચારો અને ત્રાસદાયક દ્રશ્યોની કલ્પના માત્રથી પણ રૂંવાડા ઊભા થઈ જાય છે. લાખો માસૂમ બાળકો, બહેનો અને વડીલોએ પોતાનું જીવન અને પરિવાર ગુમાવ્યા હતા.

માતૃભૂમિના સર્વોચ્ચ સ્થાનને સમજાવતા રાજ્યપાલશ્રીએ ભગવાન રામ અને લંકા વિજયના પ્રસંગનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, ભલે સોનાની લંકા મળી હોય, પરંતુ જન્મ દેનારી માતા અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે.

રાજ્યપાલશ્રીએ ભાગલાની ભીષણ પરિસ્થિતિઓનો સામનો કરીને શૂન્યમાંથી સર્જન કરનાર તથા પોતાની મહેનતથી દેશના વિકાસમાં યોગદાન આપનાર વિસ્થાપિત પરિવારોના સંઘર્ષ અને પરિશ્રમને નમન કર્યું હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ભાગલાના દર્દ અને ઇતિહાસની ગંભીરતાને ઓળખીને દર વર્ષે ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિન’ મનાવવાનો નિર્ણય લેવાયો છે. તેનો હેતુ દેશની યુવા પેઢીને ઇતિહાસમાંથી શીખ મેળવવા માટે પ્રેરિત કરવાનો છે. દેશની એકતા, અખંડિતતા અને ભાઈચારો જાળવી રાખીને જ આપણે મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરી શકીશું, તેમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં આઝાદીના પર્વ અને વિભાજનની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને યાદ કરતા જણાવ્યું હતું કે, ૧૫મી ઓગસ્ટ, ૧૯૪૭ની સવારે ભારતમાં આઝાદીનો નવો સૂરજ ઊગ્યો હતો, પરંતુ તેના બરાબર એક દિવસ પહેલાં એટલે કે ૧૪મી ઓગસ્ટે દેશનું વિભાજન થયું હતું. જે આપણા માટે અત્યંત કરુણ દિવસ છે. ત્યારે માત્ર દેશની ભૂમિના ટુકડા નહોતા થયા, પરંતુ અનેક પરિવારો વિખેરાઈ ગયા હતા. લાખો લોકોએ પોતાના ઘર-બાર, ખેતર અને સદીઓ જૂના સંબંધો એક જ રાતમાં છોડીને શરણાર્થી બનવાની ફરજ પડી હતી.

મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીની પહેલને બિરદાવતાં જણાવ્યું હતું કે, આઝાદી માટે આપણા દેશે મોટી કિંમત ચૂકવી હતી, જે બાબતનું સ્મરણ રહે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૨૧થી તા. ૧૪મી ઓગસ્ટને ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ તરીકે મનાવવાની પરંપરા શરૂ કરાવી છે. તેનો ઉદ્દેશ્ય ૧૯૪૭ના વિભાજનની કરુણ દાસ્તાનને વર્તમાન અને આવનારી પેઢીની સ્મૃતિમાં જીવંત રાખવાનો તથા આઝાદી મેળવવા દેશે ચૂકવેલી મોટી કિંમતનું સ્મરણ કરવાનો છે.

મુખ્યમંત્રીશ્રીએ ઈતિહાસના ત્યાગ અને સમર્પણનું મહત્વ ઉજાગર કરતા જણાવ્યું હતું કે, ઈતિહાસ, ત્યાગ અને બલિદાનને યાદ રાખવા એ સમાજ કે રાષ્ટ્રના મજબૂત ભવિષ્યનો સાચો પાયો છે. સ્વાતંત્ર્ય સંગ્રામના વીરોને જે રીતે આપણે યાદ કરીએ છીએ, તે જ રીતે વિભાજન વિભીષિકાના ભોગ બનેલા લાખો નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ આપવી પણ આપણી નૈતિક જવાબદારી છે.

મુખ્યમંત્રીશ્રીએ દેશની વિકાસયાત્રાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, આજે સમગ્ર દેશ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પ અને ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ના મંત્ર સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે. વર્ષ ૨૦૪૭માં આઝાદીની શતાબ્દી નિમિત્તે વડાપ્રધાનશ્રીએ ‘વિકસિત ભારત-૨૦૪૭’નું લક્ષ્ય દેશ સમક્ષ મૂક્યું છે. જેની સિદ્ધિ માટે વડાપ્રધાનશ્રીએ દેશવાસીઓને ‘પંચ પ્રણ’ આપ્યા છે. વિકસિત ભારતના નિર્માણ માટે મોટા લક્ષ્યો સાથે આગળ વધવું, ગુલામીની માનસિકતામાંથી મુક્તિ મેળવવી, આપણી સાંસ્કૃતિક વિરાસત અને વારસા પર ગૌરવ કરવું, જાતિ-ધર્મના ભેદભાવ ભૂલીને દેશની એકતા માટે કાર્ય કરવું તથા પોતાની જવાબદારીઓ અને ફરજોનું નિષ્ઠાપૂર્વક પાલન કરવું, તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ આ પાંચ સંકલ્પોને જીવનનો ભાગ બનાવી વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા ઉપસ્થિતોને આહ્વાન કર્યું હતું.

આ તકે જિલ્લાના પ્રભારી અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, વિભાજનની વેદના અને વિભીષિકા કોઈને કલ્પનામાં પણ હોય તેવી કરુણ ઘટના હતી. એક તરફ આઝાદીનો આનંદ અને બીજી તરફ વિભાજનનો શોક, આ બંને સ્થિતિમાંથી નવી પેઢી શીખ મેળવે તે જરૂરી છે. ૨૧મી સદીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ ઐતિહાસિક ઘટના અને તેની સ્મૃતિઓને ભારત અને સમગ્ર વિશ્વ સમક્ષ મૂકી છે, જેથી દેશનો આ ઇતિહાસ વર્તમાન અને આવનારી પેઢી હંમેશા યાદ રાખે.

કાર્યક્રમ પૂર્વે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ મહાનુભાવોએ વિભાજનના સંઘર્ષ દર્શાવતા વિશેષ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. કાર્યક્રમમાં વિભાજનની પીડા સહન કરનાર પ્રભાવિત પરિવારના પ્રતિનિધિએ પોતાના સંઘર્ષ અંગે અનુભવો વ્યક્ત કર્યા હતા. ઉપરાંત વિભાજન વિભિષિકા આધારિત ભાવનાત્મક નાટ્યપ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.જે. પ્રજાપતિએ આભારવિધિ કરી હતી.

આ તકે ઊર્જા અને કાયદો રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય સર્વેશ્રી મહેશભાઈ કસવાલા અને શ્રી જનકભાઈ તળાવીયા, મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ, સામાન્ય વહીવટ વિભાગ અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા, ગૃહ વિભાગના અગ્રસચિવ શ્રી સંજીવકુમાર, પોલીસ મહાનિર્દેશક શ્રી જી.એસ.મલિક, જિલ્લા પ્રભારી સચિવ શ્રી સંદીપકુમાર, યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ કમિશનર શ્રી યોગેશ નિરગુડે, જિલ્લા કલેકટર શ્રી વિકલ્પ ભારદ્વાજ સહિતના વરિષ્ઠ અધિકારીઓ અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App