🔥 TRENDING Police Arrest Bhubaneswar Man Who Fled... IPL 2027: Impact Player Rule Abolition... Navratri Kicks Off in Gujarat with Vib... Sewage Water Floods Sherpur Chowk in L... Sisodia Performs Forehead Offering at... Punjab Police Bust Drug Hotspot in Jal...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અંબાજીના મોહનથાળ પ્રસાદને મળ્યો ઐતિહાસિક GI ટેગ: રાષ્ટ્રીય સ્તરે ધાર્મિક વારસાની આગવી ઓળખ
Local

અંબાજીના મોહનથાળ પ્રસાદને મળ્યો ઐતિહાસિક GI ટેગ: રાષ્ટ્રીય સ્તરે ધાર્મિક વારસાની આગવી ઓળખ

✍️ Reporter: Irfanbhai Rahim bhai Nagalpura 🗓 11 Oct 2026, 04:36 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના પરંપરાગત મોહનથાળ પ્રસાદને ભૌગોલિક સંકેત (GI) ટેગ પ્રાપ્ત થયો છે. નવરાત્રિના પાવન પર્વે આયોજિત સમારોહમાં સત્તાવાર પ્રમાણપત્ર અર્પણ કરાયું, જે દેશ-વિદેશના લાખો માઈભક્તો માટે ગૌરવની ક્ષણ છે.

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરના પરંપરાગત મોહનથાળ પ્રસાદને ભૌગોલિક સંકેત (GI) ટેગ પ્રાપ્ત થતાં યાત્રાધામના ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને રાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ મળી છે. નવરાત્રિના પ્રથમ પાવન દિવસે અંબાજીના ચાચર ચોક ખાતે આયોજિત સમારોહમાં કંટ્રોલર જનરલ ઑફ પેટન્ટ્સ, ડિઝાઇન્સ એન્ડ ટ્રેડમાર્ક્સ તથા જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન્સના રજિસ્ટ્રાર પ્રોફેસર ડૉ. ઉન્નત પી. પંડિતની અધ્યક્ષતામાં અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં મોહનથાળ પ્રસાદનું સત્તાવાર GI પ્રમાણપત્ર ‘શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ’ને અર્પણ કરવામાં આવ્યું હતું.

ભારતીય સંસ્કૃતિ, ધાર્મિક આસ્થા અને પવિત્ર પરંપરાના પ્રતીક એવા મોહનથાળ પ્રસાદને મળેલી આ ઐતિહાસિક સિદ્ધિ દેશ-વિદેશમાં વસતા લાખો માઈભક્તો માટે ગૌરવની ક્ષણ બની છે. ‘શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ’ દ્વારા કરવામાં આવેલી અરજીના આધારે જરૂરી વૈધાનિક પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ૧ ઑક્ટોબર, ૨૦૨૬ના રોજ આ સત્તાવાર પ્રમાણપત્ર જારી કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પ્રોફેસર ડૉ. ઉન્નત પી. પંડિતે જણાવ્યું હતું કે પરંપરાગત ઉત્પાદનની મૂળ ઓળખ અને ગુણવત્તા જાળવવી અત્યંત જરૂરી છે. અંબાજી દર્શને આવતા શ્રદ્ધાળુઓને શુદ્ધ અને અસલ મોહનથાળ પ્રસાદ મળે તે સુનિશ્ચિત કરવામાં GI ટેગ મહત્ત્વની ભૂમિકા ભજવશે. તેમણે ઉમેર્યું કે ભારતીય ઉદ્યોગસાહસિકતા વિકાસ સંસ્થા (EDII), અમદાવાદ દ્વારા GI ટેગ ધરાવતાં ઉત્પાદનોના પ્રચાર-પ્રસાર અને વેચાણ માટે વિશેષ ‘GI સ્ટોર’ કાર્યરત કરવામાં આવ્યો છે, જેમાં દેશભરનાં વિશિષ્ટ ઉત્પાદનો પ્રદર્શિત થાય છે.

જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે આ સિદ્ધિ અંગે હર્ષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે મોહનથાળ પ્રસાદને GI ટેગ મળવો એ માત્ર પ્રસાદની આગવી ઓળખનું સન્માન નથી, પરંતુ લાખો શ્રદ્ધાળુઓની મા જગદંબા પ્રત્યેની અડગ આસ્થા અને આપણી સમૃદ્ધ આધ્યાત્મિક ધરોહરનું બહુમાન છે. તિરુપતિના લાડુ અને પલાનીના પંચામૃતમની શ્રેણીમાં હવે અંબાજીનો મોહનથાળ પ્રસાદ પણ દેશના વિશિષ્ટ ધાર્મિક પ્રસાદમાં સ્થાન પામ્યો છે. GI ટેગના કારણે મોહનથાળના નામે થતા અનધિકૃત ઉપયોગ અને નકલ સામે કાયદાકીય રક્ષણ મળશે તથા તેની પરંપરાગત બનાવટ અને પવિત્રતા જાળવવામાં મદદ મળશે.
📲Get App