🔥 TRENDING পুরুলিয়ার আদ্রা প্রগতি ক্লাবে নারী-পু... পুরুলিয়ায় ঘূর্ণিঝড়ের আশঙ্কা দূর, সপ... Tiger Shroff makes comeback performanc... Formula E testing halted after fire in... आरा‑पटना न्यू बायपास पर अठारह पहिया ट्... Punjab: One Killed, Three Injured in G...
23 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

દેશના 8 રાજ્યોમાં હાઈવે પર મોતનું તાંડવ: અલગ-અલગ અકસ્માતોમાં 48 મોત, અનેક ઘાયલ

✍️ Reporter: sutariya kalpeshbhai haribhai 🗓 23 Nov 2026, 01:30 AM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
દેશના વિવિધ રાજ્યોમાં સર્જાયેલા માર્ગ અકસ્માતોની હારમાળામાં કુલ 48 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. ગુજરાત, રાજસ્થાન, બિહાર, તમિલનાડુ, તેલંગાણા, ઝારખંડ, મધ્યપ્રદેશ, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં બનેલી આ ગોઝારી દુર્ઘટનાઓએ અનેક પરિવારોમાં માતમ ફેલાવી દીધો છે.

ગુજરાતના કચ્છમાં કાર અને ટ્રેલર વચ્ચે ટક્કર: 7નાં મોત

કચ્છ જિલ્લાના ભુજ-ખાવડા નેશનલ હાઈવે પર ખાવડા નજીક વેકારિયાના રણ વિસ્તારમાં એક કાર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કારમાં ઉત્તરાખંડના કોટદ્વારનો એક પરિવાર સવાર હતો, જે કચ્છ ફરવા માટે આવ્યો હતો. આ દુર્ઘટનામાં મહિલાઓ અને બાળકો સહિત 7 લોકોનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં. પ્રાથમિક વિગતો મુજબ મૃતકોમાં આર્મી પરિવારના સભ્યોનો પણ સમાવેશ થાય છે.


રાજસ્થાનના કોટા અને જોધપુરમાં અકસ્માતોમાં 12 લોકોએ જીવ ગુમાવ્યા

રાજસ્થાનમાં બે અલગ-અલગ દુર્ઘટનાઓમાં કુલ 12 લોકોનાં મોત થયાં છે. પ્રથમ ઘટનામાં, કોટા-ઉદયપુર નેશનલ હાઈવે પર શંભુપુરા ગામ પાસે ખાટુશ્યામજીના દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારની ક્રુઝર ગાડી રસ્તાની બાજુમાં ઉભેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. ડ્રાઈવરને ઝોકું આવી જતાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત થયો હતો, જેમાં બાળકો સહિત 9 લોકોનાં મોત થયાં હતાં અને 6 લોકો ઘાયલ થયા હતા. ઘાયલ વ્યક્તિના જણાવ્યા અનુસાર પરિવાર અલગ-અલગ ગાડીઓમાં મુસાફરી કરી રહ્યો હતો, જેમાંથી કેટલીક ગાડીઓ આગળ નીકળી ગઈ હતી અને પાછળ રહેલી ગાડીને અકસ્માત નડ્યાની જાણ ફોન પર થઈ હતી.


બીજી ઘટના જોધપુરમાં બની હતી, જ્યાં ગુજરાતથી રામદેવરા જઈ રહેલા એક જ પરિવારની કાર અને ટ્રાવેલ ટેમ્પો વચ્ચે ટક્કર થઈ હતી. હોસ્પિટલના અધિક્ષકના જણાવ્યા મુજબ આ અકસ્માતમાં 3 લોકોનાં મોત થયાં છે, જ્યારે 15 લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે મથુરાદાસ માથુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

તમિલનાડુમાં કાર ઝાડ સાથે અથડાતા 8નાં મોત
તમિલનાડુના તિરુચિરાપલ્લી ખાતે એક કારના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રસ્તાની બાજુના ઝાડ સાથે અથડાઈ હતી. આ ભયાનક ટક્કરમાં 8 લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

ઝારખંડમાં બે અલગ-અલગ દુર્ઘટનામાં 6નાં મોત
ઝારખંડ રાજ્યમાં પણ માર્ગ સલામતી જોખમાઈ હોય તેમ બે જુદા-જુદા સ્થળોએ થયેલા માર્ગ અકસ્માતોમાં કુલ 6 લોકોનાં મોત નીપજ્યાં છે.

બિહારમાં લગ્ન પ્રસંગેથી પરત ફરતા પરિવારની સ્કોર્પિયોને હાઈવાએ ટક્કર મારી

બિહારના બાઢ જિલ્લાના અથમલગોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સવનીમા પેટ્રોલ પંપ નજીક એક બેકાબૂ હાઈવા ટ્રકે સ્કોર્પિયો કારને જોરદાર ટક્કર મારી હતી. કારમાં 7 લોકો સવાર હતા, જેઓ લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા. આ દુર્ઘટનામાં 3 મહિલાઓ સહિત 4 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે બાઢ હોસ્પિટલ ખસેડાયા બાદ વધુ સારવાર અર્થે PMCH રિફર કરવામાં આવ્યા છે.

તેલંગાણામાં લોરીએ ઓટો-રિક્ષાને અડફેટે લેતા 4નાં મોત
તેલંગાણાના વિકારાબાદ ખાતે એક પૂરપાટ ઝડપે આવતી લોરીએ ઓટો-રિક્ષાને ટક્કર મારી હતી. આ ઓટો-રિક્ષામાં એક જ પરિવારના સભ્યો મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માતમાં 3 મહિલાઓ સહિત કુલ 4 લોકોનાં કરુણ મોત નીપજ્યાં હતાં.

મધ્યપ્રદેશમાં ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતાં 3નાં મોત, 30 ઘાયલ

મધ્યપ્રદેશમાં હાઈવે પરથી પસાર થઈ રહેલી એક ટ્રેક્ટર-ટ્રોલી અચાનક પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં 3 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 30 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.

હરિયાણાના કરનાલમાં બે કારની ટક્કરમાં 2નાં મોત

હરિયાણાના કરનાલમાં બે કાર સામસામે અથડાતા 10 વર્ષના માસૂમ બાળક સહિત 2 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ ઉપરાંત અકસ્માતમાં 3 થી 4 લોકોને ઈજાઓ પહોંચી હતી.

ઉત્તરપ્રદેશના ફતેહપુરમાં ડબલ ડેકર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત

ઉત્તરપ્રદેશના ફતેહપુર ખાતે દિલ્હીથી વારાણસી જઈ રહેલી એક ડબલ ડેકર બસ ટ્રક સાથે ટકરાઈ હતી. આ અકસ્માતમાં 2 મુસાફરોનાં મોત થયાં હતાં, જ્યારે 15 મુસાફરો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તો પૈકી 7 લોકોની હાલત અત્યંત નાજુક હોવાનું જણાવાયું છે.
📲Get App