🔥 TRENDING NDA Tensions in Bihar: Three MLAs Back... Bihar vs Uttar Pradesh: Key Difference... From Bihar Village to Berkeley: Vashis... Understanding Maharashtra’s Drought: W... Fadnavis Unveils BMC's 'Participate Mu... Maharashtra FDA Commissioner lauds IAS...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વડાપ્રધાન મોદીના 76મા જન્મદિવસે લાંઘણજમાં સેવાયજ્ઞ: 51થી વધુ બોટલ રક્તદાન, 300થી વધુ લોકોએ મેડિકલ કેમ્પનો લાભ
Local

વડાપ્રધાન મોદીના 76મા જન્મદિવસે લાંઘણજમાં સેવાયજ્ઞ: 51થી વધુ બોટલ રક્તદાન, 300થી વધુ લોકોએ મેડિકલ કેમ્પનો લાભ

✍️ Reporter: Modi Ankit bhai 🗓 13 Sep 2026, 09:15 PM 👁 44
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

માતૃભૂમિ યુવા ટીમ દ્વારા મહેસાણા જિલ્લાના લાંઘણજ ખાતે આયોજિત સેવાયજ્ઞમાં 51થી વધુ બોટલ રક્ત એકત્રિત થયું હતું. ઉપરાંત 300થી વધુ નાગરિકોએ વિવિધ તબીબો દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો.

13 સપ્ટેમ્બર 2026, મહેસાણાઃ માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે માતૃભૂમિ યુવા ટીમ, લાંઘણજ, શ્રદ્ધાદીપ બ્લડ સેન્ટર, ગાંધીનગર તેમજ મહેસાણા તાલુકા ભાજપ સંગઠનના સહયોગથી લાંઘણજ ખાતે ભવ્ય રક્તદાન કેમ્પ તથા નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ઉજવવાના ઉદ્દેશ્યથી આયોજિત આ સેવાયજ્ઞમાં 51થી વધુ બોટલ રક્ત એકત્રિત થયું હતું.

આ ઉપરાંત માતૃભૂમિ યુવા ટીમ દ્વારા આયોજિત મેડિકલ કેમ્પમાં 300થી વધુ નાગરિકોએ નિઃશુલ્ક આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. કેમ્પમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાત તબીબો દ્વારા આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. જેમાં 80થી વધુ લોકોની આંખોની, 50થી વધુ લોકોની ઓર્થોપેડિક, 50થી વધુ લોકોની કાન તથા બહેરાશ સંબંધિત અને 60થી વધુ લોકોની ફિઝિશિયન, કાર્ડિયોલોજી તથા ચેસ્ટ ફિઝિશિયન દ્વારા તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત ડેન્ટિસ્ટ દ્વારા 15થી વધુ તથા સાઇકિયાટ્રિસ્ટ દ્વારા 30થી વધુ લોકોની તપાસ કરવામાં આવી હતી. અન્ય નિષ્ણાત તબીબોએ પણ મોટી સંખ્યામાં નાગરિકોની આરોગ્ય તપાસ કરી હતી.

આ સેવાકીય કાર્યક્રમમાં મહેસાણાના પૂર્વ સાંસદશ્રી શારદાબેન પટેલ, કડીના ધારાસભ્યશ્રી રાજેન્દ્રભાઈ ચાવડા, મહેસાણા તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખશ્રી રજનીભાઈ, જિલ્લા યુવા મોરચાના પ્રમુખશ્રી, મહેસાણા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી ચંદ્રકાંતભાઈ પટેલ તથા સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિવિધ સેવાકીય સંગઠનો દ્વારા પણ કાર્યક્રમને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આ સાથે રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ગોપી મહિલા મંડળ, લાંઘણજની સમગ્ર ટીમે વિશેષ સહયોગ આપ્યો હતો. મહિલા મંડળ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા ભજનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને ઉપસ્થિત લોકોને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાવા માટે પ્રેરણા મળી હતી. આ સમગ્ર સેવાયજ્ઞને સફળ બનાવવા માટે રક્તદાતાઓ, તબીબો, મહેસાણા તાલુકા ભાજપ સંગઠન, ગોપી મહિલા મંડળ, વિવિધ સેવાકીય સંસ્થાઓ, કાર્યકર્તાઓ તથા ઉપસ્થિત નાગરિકોનો માતૃભૂમિ યુવા ટીમ દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સહયોગ આપનાર દાતાશ્રીઓ સોનલબેન તથા ધર્મેન્દ્રભાઈ પટેલ, સાઉન્ડ સિસ્ટમની ટીમ, રસોઈ વ્યવસ્થામાં જોડાયેલા સેવાભાવી મિત્રો, પોલીસ મિત્રો તેમજ કાર્યક્રમની નાનામાં નાની વ્યવસ્થા સાથે જોડાયેલા તમામ સહયોગીઓનો પણ વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

માતૃભૂમિ યુવા ટીમે આગામી સમયમાં પણ “સેવા એ જ સંકલ્પ અને સેવા એ જ સંસ્કાર”ના ભાવ સાથે સમાજના જરૂરિયાતમંદ લોકો માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
📲Get App