🔥 TRENDING Rishab Shetty Bags IFFI 2026 Best Acto... श्री गंगा ढाबा में घुसा बेकाबू कैंटर,... Allu Arjun, Atlee Hint at Special Proj... Karthi's Upcoming Film 'HIT 4' Gets Ne... PM Modi greets Kashi Tamil Sangamam 5.... Old Aadhaar Photos Lead to Learner’s L...
29 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

એકતાનગરના આદર્શ નગર ગોરામાં રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાનો નાગરિકો સાથે સંવાદ

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 29 Nov 2026, 10:38 AM 👁 33
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગુજરાત સરકારના ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ૭૨ કલાકના વિધાનસભા કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લાના પ્રવાસના ત્રીજા દિવસે એકતાનગરના આદર્શ નગર ગોરાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે સ્થાનિક નાગરિકો સાથે સીધો સંવાદ કરી તેમના પ્રશ્નો, રજૂઆતો અને વિસ્તારની વિવિધ સમસ્યાઓ અંગે જાણકારી મેળવી હતી.

એકતાનગરના આદર્શ નગર ગોરા ખાતે ઉમેદભાઈ વલ્લુભાઈ તડવીના નિવાસસ્થાને યોજાયેલા સંવાદ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. નાગરિકોએ પોતાના વિસ્તારની જરૂરિયાતો અને સમસ્યાઓ મંત્રીશ્રી સમક્ષ રજૂ કરી હતી. મંત્રીશ્રીએ તમામ રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી સંબંધિત મુદ્દાઓના નિરાકરણ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, લોકપ્રતિનિધિઓ અને સરકારની પ્રાથમિક જવાબદારી નાગરિકોના પ્રશ્નો સંવેદનશીલતાથી સાંભળવાની અને તેના યોગ્ય નિરાકરણ માટે પ્રયાસો કરવાની છે. તેમણે કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ અસરગ્રસ્ત આશરે ૨૦૦ ગામોના પુનઃવસનનું ઉદાહરણ આપી જણાવ્યું હતું કે, કોઈપણ વિકાસકાર્યમાં દૂરંદેશી અને ભવિષ્યલક્ષી આયોજન અત્યંત જરૂરી છે. હડપ્પીય નગર સંસ્કૃતિનો ઉલ્લેખ કરતાં તેમણે સમયથી આગળનું વિચારીને આયોજન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સમયની સાથે નાગરિકોની જરૂરિયાતો અને જીવનધોરણમાં પરિવર્તન આવતું રહે છે. તેથી વર્તમાન સમસ્યાઓનું નિરાકરણ લાવવાની સાથે ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સુવિધાઓનું નિર્માણ કરવું જરૂરી છે. સરકારી અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓએ પણ લોકહિતને કેન્દ્રમાં રાખીને નિષ્ઠાપૂર્વક કામગીરી કરવી જોઈએ, જેથી વિકાસનાં કાર્યો લાંબા સમય સુધી લોકો માટે ઉપયોગી બની રહે.

મંત્રીશ્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતાનગરમાં રહેલી વિકાસની સંભાવનાઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આયોજન હેઠળ વિસ્તારમાં વિવિધ વિકાસકાર્યો હાથ ધરવામાં આવી રહ્યાં છે. આ વિકાસયાત્રાને વધુ વેગ આપવા સ્થાનિક નાગરિકોની સક્રિય ભાગીદારી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. સૌએ વિકાસની ખેવના સાથે આગળ આવીને ભવિષ્યની પેઢીના ઘડતર અને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવું જોઈએ.

આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ નાગરિકો સાથે ખુલ્લા મનથી ચર્ચા કરી તેમની રજૂઆતો જાણી હતી અને સ્થાનિક પ્રશ્નોના ઉકેલ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ સંવાદ કાર્યક્રમનો મુખ્ય હેતુ સ્થાનિક સ્તરે નાગરિકોની જરૂરિયાતો અને સમસ્યાઓને નજીકથી સમજવા તથા વિકાસની પ્રક્રિયામાં જનભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો રહ્યો હતો.
📲Get App