🔥 TRENDING Karnataka Extends Deadline for NEET PG... Supreme Court Dismisses Tamil Nadu's R... MP Amritpal Singh released from Debrug... RJD’s ex‑candidate Lallu Mukhiya congr... PM Modi's November 21 rally to be held... 20-year-old ITI student found hanged i...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પ્રાકૃતિક ખેતીથી અશોકભાઈ તડવી બન્યા આત્મનિર્ભર, પરિવારને આપી રહ્યા છે શુદ્ધ ખોરાકની ભેટ

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 20 Nov 2026, 03:25 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના નલિયા ચુડેશ્વર ગ્રામ પંચાયતના ભાવપુરા ટેકરા ગામના ખેડૂત અશોકભાઈ ચીમનભાઈ તડવીએ પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને નર્મદા જિલ્લા આત્મા પ્રોજેક્ટના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વર્ષ 2013થી તેઓ પોતાના 'જય માતાજી મોડેલ ફાર્મ'માં એકપણ દાણો યુરિયા કે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના કપાસ, ટામેટાં, કાકડી, દૂધી, કોબીજ, ફલાવર, રીંગણ, મૂળા, તાંદળજા, તુવેર અને વાલપાપડી સહિતના પાકોનું ઉત્પાદન કરે છે. આ ઉપરાંત જામફળ, લીંબુ, ચેરી, કમરખ, આંબા, બોર, કોઠા, ખાટુંબડા અને એવોકાડો જેવા વિવિધ ફળપાકો પણ ઉછેરે છે. તેમના ખેતરમાં કપાસના છોડ 8થી 10 ફૂટ ઊંચા થયા છે અને સારો ઉતારો મળી રહ્યો છે. ખેતરમાં પકવેલા શુદ્ધ અને પ્રાકૃતિક શાકભાજીનો ઉપયોગ તેઓ પરિવારના ભોજનમાં કરે છે, જ્યારે વધારાના શાકભાજીનું વેચાણ કરીને સારી આવક મેળવે છે. આ માટે તેમણે ભાવપુરા ટેકરા સ્ટેશન પાસે હાઈવેને અડીને નેચરલ શાકભાજી વેચાણ કેન્દ્ર પણ શરૂ કર્યું છે. અશોકભાઈના જણાવ્યા અનુસાર, પ્રાકૃતિક ખેતી માત્ર ખેતી કરવાની પદ્ધતિ નથી, પરંતુ સ્વસ્થ જીવન જીવવાની રીત છે. આ ખેતીથી જમીનની ફળદ્રુપતા જાળવવાની સાથે ખેતી ખર્ચ ઘટાડવામાં પણ મદદ મળે છે. પોતાની સફળતાને અન્ય ખેડૂતો સુધી પહોંચાડવા તેઓ આત્મા પ્રોજેક્ટમાં સીઆરપી (CRP) તરીકે આસપાસનાં ગામોના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ અને માર્ગદર્શન આપી રહ્યા છે. ખેડૂતોને રાસાયણિક મુક્ત ખેતી અપનાવવા અને સ્વસ્થ જીવનશૈલી તરફ આગળ વધવા સતત પ્રોત્સાહિત કરે છે. આમ, પ્રાકૃતિક ખેતી દ્વારા પરિવારને શુદ્ધ ખોરાક, સારી આવક અને આત્મનિર્ભરતા અપાવવાની સાથે અશોકભાઈ સમગ્ર વિસ્તારના ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે.
📲Get App