🔥 TRENDING UDF സർക്കാരിന്റെ പ്രവാസി വിരുദ്ധ നയങ്ങ... The Times of India Unveils Official Tr... Vulture Declared Nashik's Symbolic Bir... ED Seizes Assets Worth Rs 16.23 Crore... Maharashtra Governor pledges assistanc... Six killed in road accident returning...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અમરેલીમાં શ્રમિક અન્નપૂર્ણા બૂથનું લોકાર્પણ કરાયું

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 17 Oct 2026, 09:52 AM 👁 82
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અમરેલીમાં શ્રમિક અન્નપૂર્ણા બૂથનું લોકાર્પણ કરાયું

માત્ર રૂ. ૫માં શ્રમિકો અને તેમના પરિવારજનોને પૌષ્ટિક ભોજન ઉપલબ્ધ થશે

રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ અમરેલી ખાતે શ્રમિકોને ભોજન પિરસી બૂથનો પ્રારંભ કરાવ્યો

અમરેલી જિલ્લામાં અમરેલી, સાવરકુંડલા, કુંકાવાવ, ધારી અને રાજુલા ખાતે શ્રમિક અન્નપુર્ણા બૂથનો પ્રારંભ

અમરેલી, તા. ૧૬ ઓક્ટોબર
ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા સંચાલિત શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત અમરેલી શહેરમાં નાગનાથ મંદિર ખાતે કડિયા નાકા પાસે શરૂ કરવામાં આવેલા શ્રમિક અન્નપૂર્ણા બૂથનું રાજ્યના ઊર્જા અને કાયદા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ પોતાના હાથે શ્રમિકોને ભોજન પીરસીને બૂથનો પ્રારંભ કરાવ્યો હતો.

"શ્રમિક અન્નપૂર્ણા યોજના" અંતર્ગત બાંધકામ ક્ષેત્રે કાર્યરત શ્રમિકો અને તેમના પરિવારજનોને નજીવા દરે પૌષ્ટિક ભોજન ઉપલબ્ધ કરાવવાનો ઉદ્દેશ છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને માત્ર રૂ. ૫માં ભોજન આપવામાં આવશે. જેમાં રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણું, મરચાં અને ગોળનો સમાવેશ થાય છે. ઉપરાંત, અઠવાડિયામાં એક વખત સુખડી જેવા મિષ્ટાનનો પણ ભોજનમાં સમાવેશ કરવામાં આવે છે.

અમરેલી જિલ્લામાં શ્રમિકોને આ યોજનાનો લાભ સરળતાથી મળી રહે તે માટે અમરેલી ઉપરાંત સાવરકુંડલામાં ગાંધી ચોક ખાતે, રાજુલામાં સિવિલ હોસ્પિટલ પાસે, ધારીમાં નવી વસાહત રોડ પર પીકઅપ સ્ટેન્ડ પાસે તેમજ કુકાવાવમાં જૂના બસ સ્ટેશન પાસે આવેલા કડિયા નાકા ખાતે પણ શ્રમિક અન્નપૂર્ણા બૂથ શરૂ કરવામાં આવ્યાં છે.

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના ઈ-નિર્માણ પોર્ટલ પર નોંધાયેલા બાંધકામ શ્રમિકો આ યોજનાનો લાભ લઈ શકશે. લાભાર્થીએ પોતાનું ઈ-નિર્માણ કાર્ડ લઈને ભોજન કેન્દ્ર પર જવાનું રહેશે. કાર્ડ પર દર્શાવેલા નંબર અથવા ક્યુ.આર. કોડનું સ્કેનિંગ કરાવીને રૂ. ૫માં ભોજન મેળવી શકાશે. શ્રમિકો આ ભોજન કેન્દ્ર પર બેસીને જમવા ઉપરાંત ટિફિનમાં ઘરે પણ લઈ જઈ શકશે.

જે બાંધકામ શ્રમિકો પાસે ઈ-નિર્માણ કાર્ડ ઉપલબ્ધ ન હોય, તેમના માટે પણ બૂથ ખાતે જ હંગામી નોંધણીની વ્યવસ્થા કરવામાં આવી છે. આવા શ્રમિકો હંગામી નોંધણી કરાવીને ૧૫ દિવસ સુધી ભોજનનો લાભ મેળવી શકશે.

શ્રમિક અન્નપૂર્ણા યોજના બાંધકામ શ્રમિકોને પોષણક્ષમ ભોજન ઉપલબ્ધ કરાવવાની સાથે તેમના રોજિંદા જીવનમાં આર્થિક રાહત પૂરી પાડવામાં સહાયક બની રહી છે. શ્રમિકો આ યોજનાનો લાભ લઈ શકે તે માટે જિલ્લામાં શરૂ કરવામાં આવેલા વિવિધ બૂથ ઉપયોગી બનશે.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્ય શ્રી આશિષભાઈ અકબરી, અમરેલી તાલુકાના અગ્રણી શ્રી મધુભાઈ હરખાણી, વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App